ધ્રોલની એ ઘટનાએ સમગ્ર જીલ્લામાં મચાવી દીધી ચકચાર

રેતી નો મામલો અન્ય કાઈ તપાસ નો વિષય

ધ્રોલની એ ઘટનાએ સમગ્ર જીલ્લામાં મચાવી દીધી ચકચાર
તસ્વીરો:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર

જામનગર રાજકોટ હાઈવે પર આવેલ ધ્રોલ નજીક  આજે ત્રિકોણ બાગ નજીક ફાયરીંગની ઘટના સામે આવી છે, સ્વીફ્ટ કારમાં આવેલ શખ્સો ફાયરીંગ કરી જતા રહેતા જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે, તો એલસીબી એસઓજી સહિતની ટીમો પણ ધ્રોલ ખાતે  પહોચી જઈને તપાસમાં જોતરાઈ હતી એવામાં નાકાબંધી માં પોલીસને સફળતા મળી અને મોરબી પોલીસની મદદથી આરોપીઓને લોડેડ હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે,

ધ્રોલમાં રહેતા દિવ્યરાજસિંહ નામના યુવાન આજે બપોરે એકાદ વાગ્યે ધ્રોલના ત્રિકોણબાગ પાસે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલીયમ કંપનીના પેટ્રોલ પંપ પાસે હતાં ત્યારે અચાનક ત્યાં ધસી આવેલી એક મોટરમાંથી કેટલાક શખ્સોએ તેઓ પર ધડાધડ પાંચ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ઓચીંતો જ આવો બનાવ બનતા સતત ચહેલ પહેલવાળા આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. હુમલાખોરો દ્વારા કરાયેલા ફાયરીંગમાં વછુટેલી પાંચ ગોળી પૈકીની બે જેટલી ગોળી દિવ્યરાજસિંહના ગળા તથા છાતીના ભાગમાં ઘૂસી ગઈ હતી ગોળી વાગતા ઢળી પડેલા દિવ્યરાજસિંહને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી અને પોલીસને વાકેફ કરાઈ હતી. જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવેલા ઈજાગ્રસ્તની હાલત અત્યંત નાજુક ગણાવાઈ રહી હતી તે પછી ઈજાગ્રસ્તનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. જાણવા મળતી વિગતો મુજબ મૃતક દિવ્યરાજસિંહ સામે પણ કેટલાક ગુન્હાઓ નોંધાયા છે, અને આજનો ડખો પણ રેતીચોરીને મામલે થયો હોવાનું જાણકાર સુત્રો જણાવે છે,

2 કલાકથી ઓછા સમયમાં આરોપી લોડેડ હથિયાર સાથે ઝડપાયો:શરદ સિંઘલ 
જામનગરના SP શરદ સિંઘલે જણાવ્યું હતું કે, ધ્રોલમાં ફાયરિંગ થયું છે. આરોપીઓ સ્વીફ્ટ કારમાં આવ્યા હતા અને ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. રાજકોટ રેન્જ મોરબી પોલીસ અને નાકાબંધીની મદદથી અમે બે આરોપીને લોડેડ હથિયાર સાથે પકડી પાડ્યા છે.વધુ વિગત અમે મીડિયાને પ્રેસ કોન્ફરન્સ કરી આવતીકાલે આપીશું. 2 કલાકથી ઓછા સમયમાં અમે આરોપીઓને ઝડપી લીધા છે. જામનગર પોલીસ અને મોરબી પોલીસની કામગીરીને બિરદાવું છું.