જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારો મોઢાં પણ દેખાડી ન શકે, તેવું પ્રદર્શન !

ભાજપા અને કોંગ્રેસ લડતાં રહ્યા, ત્રણ પૈકી એક બેઠક પર આમ આદમી પાર્ટી ઘા કરી ગઈ ! 

જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારો મોઢાં પણ દેખાડી ન શકે, તેવું પ્રદર્શન !

Mysamachar.in:જામનગર 

જામનગર જિલ્લાની ત્રણ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર અજીબ ચૂંટણી જંગ ખેલાયો. એક બેઠક પર આમ આદમી પાર્ટીએ કાઠું કાઢ્યું. એક બેઠક પર ભાજપા પહેલવાન પૂરવાર થઈ અને એક બેઠક પર તો કોન્ગ્રેસના વર્તમાન ધારાસભ્ય જાણે કે, ચૂંટણી લડયા જ નહીં ! તેઓની નિષ્ક્રિયતા શંકા જન્માવનારી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ! 

76- કાલાવડ વિધાનસભા બેઠકની વાત કરીએ તો, અહીં ભારતીય જનતા પાર્ટી બહુ મોટા માર્જીનથી જિતી નથી. આમ આદમી પાર્ટી અને કોન્ગ્રેસ વચ્ચે મતોની વહેંચણી થઈ જતાં ભાજપાને બેઠક મળી ગઈ. આ બેઠક પર ભાજપના ઉમેદવાર મેઘજી ચાવડા (પૂર્વ ધારાસભ્ય)ને 59,292 મત મળ્યા. બીજા ક્રમે આમ આદમી પાર્ટી રહી. તેનાં ઉમેદવારને 43,442 મતો મળ્યા. પરંતુ વર્તમાન ધારાસભ્ય અને કોન્ગ્રેસના ઉમેદવાર પ્રવિણ મુસડીયાને 24,337 મત મળ્યા તેથી આમ આદમી પાર્ટીની મનની મનમાં રહી ગઈ. આ બેઠક પર ભાજપના ઉમેદવાર 5,850 ની લીડથી વિજેતા થયા.

આ બેઠક પર કુલ 1,142 પોસ્ટલ બેલેટ મતદાન થયું. જે ઉમેદવારોનાં મતોના આંકડાઓમાં સામેલ છે. બસપાનો એક ઉમેદવાર તથા એક અપક્ષ પણ ચૂંટણી લડ્યો. પરંતુ તે બંનેનાં કુલ મત માત્ર 1,921 જ રહ્યા. તેનાં કરતાં તો NOTA માં વધુ એટલે કે, 2,127 મત પડ્યા ! ભાજપાનાં મેઘજી ચાવડા એકંદરે સરળ પ્રકૃતિ ધરાવતાં શાંત અને કામગરા નેતા છે. 

જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની બીજી મહત્વની બેઠક 77-જામનગર ગ્રામ્ય છે, જેમાં ભાજપાનાં ઉમેદવાર અને ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલ ફરી વિજેતા થયા છે. ચાર પાંખિયા જંગમાં પણ તેઓએ 79,439 મત મેળવ્યા. એટલું જ નહીં, 47,500 મતની લીડ પણ હાંસલ કરી. આ બેઠક પર બીજા ક્રમે આમ આદમી પાર્ટી રહી, જેનાં ઉમેદવારને 31,939 મત મળ્યા. બહુજન સમાજ પાર્ટીના, ત્રીજા ક્રમે રહેલાં ઉમેદવાર કાસમ ખફી 29,162 મત ખેંચી ગયા. જેને કારણે કોન્ગ્રેસ છેક ચોથા ક્રમે ધકેલાઈ ગઈ ! તેનાં ઉમેદવાર જીવણ કુંભરવાડીયાને ભાગે માત્ર 18,737 મત આવ્યા ! બધી જ મહેનત પાણીમાં અને પાર્ટીનું જબરૂ ધોવાણ થયું. આ બેઠક પર પોસ્ટલ મતોની સંખ્યા માત્ર 766 રહી. બે અપક્ષને પણ સાવ નગણ્ય મત મળ્યા. જેનો અત્રે ઉલ્લેખ કરવો પણ જરૂરી નથી. ચાર મુખ્ય ઉમેદવારો વચ્ચે જ જંગ હતો. અને કૃષિમંત્રીને હરાવવા ભરચક્ક પ્રયાસો પછી પણ તેઓ લીડ સાથે વિજેતા થયા. અને કૃષિમંત્રી હારી જાય તેવું મહેણું ભાંગીને ભુક્કો કરી નાખ્યું.

જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની ત્રીજી મહત્વની બેઠક 80-જામજોધપુર આમ આદમી પાર્ટી આંચકી ગઈ. આ પાર્ટીને સમગ્ર હાલારની સાત બેઠકો પૈકી માત્ર આ એક બેઠક જ મળી છે, એ પણ ઉમેદવારની વ્યક્તિગત તાકાતને કારણે મળી છે. પાર્ટી જશ લેવાની સ્થિતિમાં નથી.  આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર હેમંત ખવાને 71,397 મત મળ્યા. અને નજીકનાં પ્રતિસ્પર્ધી ભાજપાનાં ચીમન શાપરિયા પર તેઓએ 10,403 મતની સરસાઇ પણ મેળવી છે. ચીમનભાઈ ને 60,994 મત મળ્યા. તેઓએ વિજય માટે ઘણી મહેનત કરી પરંતુ તેઓનો વનવાસ લંબાયો.  કોન્ગ્રેસના વર્તમાન ધારાસભ્ય ચિરાગ કાલરીયાને માંડ માંડ 13,514 મતો મળ્યા છે. તેઓએ ખુદે સાઈડ થઈ જવાનું નક્કી કર્યું હતું ?! એવો પ્રશ્ન મતદારો ચર્ચી રહ્યા છે. 

આ બેઠક પર અન્ય નાનાં પક્ષનાં તથા અપક્ષના કુલ 6 ઉમેદવાર હતાં. જો કે તેઓને બધાંને મળેલાં કુલ મતનો સરવાળો માંડ માંડ ત્રણ હજાર જ થયો. ઉમેદવારોને મળેલાં કુલ મતોમાં 1,549 પોસ્ટલ બેલેટ મતોનો પણ સમાવેશ થાય છે. તેની સામે આ બેઠક પર NOTA માં 1,543 મત નોંધાયા છે.