Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી માટે ચાલતી તૈયારીઓ ગતિમાં છે. ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટેનાં મતદારોની આખરી યાદીને ઓપ આપવાની કામગીરી વેગવંતી બનાવી છે. આખરી મતદાર યાદીનો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે. મતદારો આ મુસદાનો અભ્યાસ કરી, જરૂરી ફેરફાર કરાવી શકે છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની સહીથી જાહેર થયેલી વિગતો દર્શાવે છે કે, આ વખતની ચૂંટણીમાં નવાં 15,773 મતદારો નોંધાયા છે.ચૂંટણી તંત્ર જણાવે છે.
સમગ્ર જિલ્લામાં સૌથી વધુ મતદારો 78-જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં 2,63,375 નોંધાયેલા છે. જ્યારે સૌથી ઓછાં મતદારો જામજોધપુર વિધાનસભા મતવિસ્તારમાં 2,27,536 નોંધાયેલા છે. આ ઉપરાંત સૌથી વધુ મતદારોની યાદીમાં બીજા ક્રમે 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તાર છે, જ્યાં નોંધાયેલા મતદારોની સંખ્યા 2,51,934 છે. ત્રીજા ક્રમે 76-કાલાવડ વિધાનસભા મતવિસ્તાર છે, જ્યાં નોંધાયેલા મતદારોની સંખ્યા 2,33,413 છે. 79-જામનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલા કુલ મતદારો 2,30,652 છે.
સમગ્ર જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકોનાં મતવિસ્તારોમાં કુલ 12,06,910 મતદારો છે. જે પૈકી પુરુષ મતદારોની સંખ્યા 6,18,572 અને સ્ત્રી મતદારોની કુલ સંખ્યા 5,88,323 છે. અન્ય મતદારોની કુલ સંખ્યા 15 છે, જેને થર્ડ જેન્ડર કહે છે. આ આખરી અને સંપૂર્ણ યાદીમાં એવાં મતદારોનો સમાવેશ થાય છે જેઓ જામનગર ખાતે નોંધાયેલા છે અને 01-10-2022 ની સ્થિતિએ તેઓ મતાધિકાર ધરાવે છે. જિલ્લામાં મતદાર યાદી સુધારણા કામગીરી 12-08 થી 14-09-2022 દરમિયાન કરવામાં આવી હતી અને આજે 10-10-2022 નાં દિવસે આ સંકલિત આખરી મતદાર યાદી જિલ્લામાં નિર્ધારિત સ્થળોએ પ્રદર્શિત કરવામાં આવી છે.
જે મતદારો મતદાર યાદીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાવવા ઇચ્છે છે તેઓ voter helpline mobile app ની મદદથી www.nvsp.in તથા voterportal.eci.gov.in વેબસાઇટ દ્વારા ઘરે બેઠાં ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારીની સત્તાવાર વેબસાઇટ https://ceo.gujarat.gov.in ની મદદથી આપ મતદારયાદીમાં આપનું નામ, વિગતો, મતદાન મથકોની વિગતો તેમજ મતદારયાદી લગત અન્ય તમામ વિગતો કોઈ પણ વ્યક્તિ જાણી શકે છે. આ ઉપરાંત મતદારયાદી અંગેની કોઈ પણ સમસ્યા સંદર્ભે કોઈ પણ મતદાર ટોલ ફ્રી નંબર 1950 નો સંપર્ક કરી શકે છે. ચૂંટણીકાર્ડ તથા મતદારયાદી લગત તમામ બાબતો, અપડેટ્સ સંબંધિત જાણકારીઓ મેળવવા માટે આપ ચૂંટણી અધિકારી (કલેકટર)નાં ફેસબુક પેજ, ટવીટર તથા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (deojamnagar)ને અવશ્ય ફોલો કરો.