ભગવાન દ્વારકાધીશના નગરમાં રાત્રે પણ સૂર્યનારાયણ અજવાળાં પાથરશે !

મોઢેરા બાદ હવે દ્વારકાનગરીને પણ સોલારપાવર આધારિત બનાવવામાં આવશે....

ભગવાન દ્વારકાધીશના નગરમાં રાત્રે પણ સૂર્યનારાયણ અજવાળાં પાથરશે !
File image

Mysamachar.in:દેવભૂમિ દ્વારકા

ગુજરાતમાં મોઢેરા પછી હવે યાત્રાધામ દ્વારકા પણ સોલારનગરી બનશે, જો પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની યોજના સફળ થશે તો. અત્રે નોંધનીય છે કે, સૂર્યમંદિર ધરાવતાં મોઢેરા ગામમાં રાતદિવસ સોલાર વીજપૂરવઠો પૂરો પાડવામાં આવે છે. દ્વારકા ખાતે પણ આમ બની શકે છે.સૂત્રોનાં જણાવ્યા અનુસાર, દ્વારકા શહેરમાં આશરે 200 હોટેલ અને ધર્મશાળા છે તથા સમગ્ર વર્ષ દરમિયાન અહીં લાખો યાત્રિકો આવે છે. આ શહેરનો વાર્ષિક વીજવપરાશ આશરે 20 મિલિયન યુનિટ છે. શિવરાજપુર બીચ બન્યા પછી આ પંથક યાત્રાધામ ઉપરાંત પ્રવાસન સ્થળ પણ બની ગયું છે. પીજીવીસીએલ આ નગરીને સોલાર પાવર આધારિત બનાવવા ઇચ્છે છે. હાલમાં આ વીજકંપની આ માટે એસેસમેન્ટ કરી રહી હોવાનું જાણવા મળે છે. એમ પણ કહેવાય છે કે, આ માટે બેઠકો પણ થઈ છે.

વીજકંપની ઈચ્છે છે કે બધાં જ વીજગ્રાહકો - રહેણાંક, કોમર્શિયલ તથા ધર્મશાળા અને હોટેલ્સ બધાં જ જો સોલાર પાવર જનરેટ કરે તો આ નગરીને સોલાર પાવર ટાઉન જાહેર કરી શકાય, મોઢેરાની માફક. આ માટે વીજકંપનીએ અત્યાર સુધીમાં જુદાં જુદાં ગ્રાહકો સાથે ઘણી બેઠકો પણ કરી લીધી છે. વીજતંત્રની ઈચ્છા છે કે સરકારની સૂર્ય ગુજરાત સ્કીમ હેઠળ સબસિડીનો લાભ મેળવી રહેણાંક મકાનોમાં સોલાર પાવર જનરેટ કરી શકાય. તમામ સરકારી કચેરીઓને GEDA અંતર્ગત કવર્ડ કરી શકાય.

હોટેલ્સ અને ધર્મશાળાઓ માટે કેવા પ્રકારનું પરવડે તેવું સોલાર પાવર મોડેલ તૈયાર કરી શકાય તે અંગે વાતચીત ચાલી રહી છે, એમ વીજકંપની સાથે સંકળાયેલા સૂત્રો કહે છે. આ અધિકારીએ જણાવ્યું છે કે, આ માટે હોટેલ્સ અને ધર્મશાળાઓનાં સંચાલકોએ શરૂઆતમાં થોડું જરૂરી રોકાણ કરવું પડે પરંતુ પછી પાવર જનરેશનથી તેઓને સતત ફાયદો મળતો રહે.સૂત્રોનાં જણાવ્યા અનુસાર, હાલમાં વીજકંપની દ્વારકા શહેરની આગામી દસ વર્ષની વીજળીની જરૂરિયાત ધ્યાનમાં રાખીને આ દિશામાં કંઈક નક્કર વિચારી રહી છે. જો આ યોજના સફળ થશે તો, ભગવાનનાં આ ધામમાં સૂર્યનારાયણ રાત્રે પણ અજવાળાં પાથરશે !