Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળ ખાતે ગત સાંજે એક રીક્ષા ચાલક યુવાન સાથે બોલાચાલીનો ખાર રાખી, ત્રણ શખ્સો દ્વારા હથિયારો વડે જીવલેણ હુમલો કરી, હત્યા નીપજાવવાના બનાવે ભારે ચકચાર પ્રસરાવી છે. આ હત્યા પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા તાલુકાના મીઠાપુર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઈવિંગ કરતા લાલાભા આલાભા માણેક નામના આશરે 35 વર્ષીય યુવાનને થોડા સમય પૂર્વે તેઓના ઘરની દીવાલ પાસે બેસવા બાબતે આ વિસ્તારમાં રહેતા કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઇ હતી. જે બાદ ગઈકાલે બુધવારે સાંજના સમયે લાલાભા માણેક સુરજકરાડી વિસ્તારમાં આવેલી એક ચાની હોટલ ખાતે ચા પીતો હતો ત્યારે, આ સ્થળે સુરજકરાડીના રહીશ પપ્પુભા ઉર્ફે રાહુલ ઉર્ફે સુનિલ ઉર્ફે ભીમાભા અમરસંગ જગતીયા, હમુસર ગામના રહીશ ભુપતભા આધાભા માણેક અને ગોરીંજા ગામના રહીશ વિજય કારૂભા સુમણીયા નામના ત્રણ શખ્સો તિક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતા.
જીવલેણ હથિયારો સાથે ધસી આવેલા ત્રણેય આરોપીઓએ જૂની બાબતનો ખાર રાખી, લાલાભા માણેકની પાછળથી ઘાતક હુમલો કર્યો હતો. આરોપીઓ દ્વારા લાલાભાના માથાના ભાગે, ગાલના ભાગે તથા કાન નીચે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ફસડાઈ પડયા હતા. આ જીવલેણ હુમલાથી ગંભીર રીતે ઈજાઓના કારણે તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. હત્યા નિપજાવી આરોપીઓ હથિયારો સાથે ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી તથા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. આ પ્રકરણના અનુસંધાને મીઠાપુર પોલીસે મૃતકના મોટાભાઈને દેવુભા આલાભા માણેકની ફરિયાદ પરથી ત્રણેય શખ્સો સામે આઇ.પી.સી. કલમ 302, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી વિવિઘ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.