ખેલમહાકુંભમા ગોટાળાના “ખેલ”

શું અધિકારી અજાણ છે કે પછી.?

ખેલમહાકુંભમા ગોટાળાના “ખેલ”

Mysamachar.in-જામનગર:

રાજ્ય સરકારના ઉમદા હેતુ સમો ખેલમહાકુંભ કેટલાય વર્ષોથી દરવર્ષે રાજ્યની સાથે સાથે જામનગરમાં પણ યોજાય છે, અને ખેલમહાકુંભ થકી ખેલાડીઓને પોત્સાહિત કરવાની સરકારની સુઝ સરાહનીય છે, અને ખેલમહાકુંભ માટે સરકાર કરોડોનું વાર્ષિક બજેટ પણ ફાળવે છે, પણ ખેલમહાકુંભમા જામનગરમાં શરૂઆતે જ “ખેલ” પડવાની શરૂઆત થઇ ગઈ હોય તેમ લાગી રહ્યું છે, જામનગર શહેર-જિલ્લામાં ચાલી રહેલા ખેલમહાકુંભમાં મહોરમની જાહેર રજામાં ધ્રોલમાં જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધા યોજાતા તો જોડિયામાં તાલુકા કક્ષાની યોગાસન સ્પર્ધા રદ થતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. છતાં રમતગમત અધકારી સબ સમાલત ના બણગાં ફૂંકે છે,


વિનાવિચાર્યે કરવામાં આવતા હોય તેમ આડેધડ આયોજનને પગલે ખેલાડીઓને વગર ખેલે પરસેવા છૂટી રહ્યા છે, કોઈપણ જાતની પૂર્વ  જાણ કર્યા વગર ફેરફારના કારણે સ્પર્ધકો ત્રાહીમામ પોકારી ગયા છે રાજય સરકારના ઉમદા ઉદેશને સ્થાનિક અધિકારીઓ ગોટાળે ચઢાવી અને આયોજનની પથારી ફેરવી રહ્યા છે, લગભગ પાંચ દિવસ પૂર્વે જ મોહરમની રજા બુધવારના બદલે મંગળવારે જાહેર કરાઇ હતી. છતાં જામનગર જિલ્લા રમત ગમત કચેરીએ કોઇ ફેરફાર ન કરતાં મંગળવારે મોહરમના જુડો સ્પર્ધા ધ્રોલની એમ.ડી.મહેતા શાળામાં યોજાતા સ્પર્ધકોમાં રોષ ફેલાયો છે. તો જાણવા તો એમ પણ મળે છે કે કાલાવડમાં સ્કેટિંગની સ્પર્ધા પણ રાતોરાત રદ કરી દેવાતા ખેલાડીઓ પરેશાન થઇ રહ્યા છે,

-ખેલ મહાકુંભ સામે ચિંધાઈ રહી છે આંગળીઓ...
રમતગમત વિભાગના સુમાહિતગાર સુત્રો એમ પણ જણાવે છે કે જિલ્લામાં અલગ અલગ રમતોના આયોજનો માટે સરકાર લાખોની ગ્રાન્ટ ફાળવે છે, પણ તેનો કેવો અને કેટલો ચોક્કસ ઉપયોગ થાય છે, કે કેમ તે બાબત જામનગરમા ખેલ મહાકુંભની શરૂઆતે જ સામે આવેલા ગોટાળાઓ તપાસ માંગવાની દિશા તરફ પ્રેરી રહ્યા હોય તેમ લાગે છે.

-કોઈક તો એવું પણ કહે છે કે...
બે દિવસ પૂર્વે ધ્રોલ ખાતે કુસ્તીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેને લઈને એવી ચર્ચાઓ ધ્રોલમાંથી સાંભળવા મળે છે કે યોજાયેલ આ સ્પર્ધામાં જામનગરના ખેલાડીઓ પણ ભાગ લઇ આવ્યા, હવે આ બાબત ખોટી કે સાચી તે અંગે રમતગમતના અધિકારી વાળાને પૂછવામાં આવ્યું ત્યારે તેવોએ તો કહી દીધું કે બધું ઓલરાઈટ છે.હવે જો ખરેખર ઓલરાઈટ જ હોય તો આવી ચર્ચાઓ કરવાનું મન કોઈને શા માટે થાય..