Mysamachar.in-ખંભાળિયા:
સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓનો માહોલ વેગ પકડી રહ્યો છે. ઉમેદવારો દ્વારા આક્રમક પ્રચાર અને મેકસિમમ લોકસંપર્કનાં કાર્યક્રમો ધડાધડ ગોઠવાઈ રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ BJPનાં ખંભાળિયા-ભાણવડ વિધાનસભા બેઠકનાં ઉમેદવાર મુળુભાઇ બેરાનો જયજયકાર બંને તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપભેર આગળ વધી રહ્યો છે.
BJPના ઉમેદવાર મુળુભાઇ બેરાનો ચૂંટણી પ્રચાર કાર્યક્રમ વિશાળ લોકસમર્થન પ્રાપ્ત કરવામાં હાલના તબક્કે જબરી સફળતા મેળવી રહ્યા છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોના વિશાળ કાફલા સાથે તેઓ ખંભાળિયા અને ભાણવડ તાલુકાના સંખ્યાબંધ ગામોની મુલાકાત લઈ રહ્યા છે. કાલે બુધવારે તેઓએ વિવિધ ગામોમાં ભાજપાની ચૂંટણી સભાઓ યોજી, મતદારોને મળ્યા. સ્થાનિક આગેવાનો સાથે વિચાર વિમર્શ કર્યો. અને સંખ્યાબંધ નાની મોટી ગ્રૂપ મિટિંગ પણ કરી. સમગ્ર વિધાનસભા વિસ્તારમાં મતદારો કમળ ખીલવવા આતુર છે. મતદારો ભાજપાની વિકાસશીલ વિચારધારાને સમર્થન આપી રહ્યા છે.
ઉમેદવાર મુળુભાઇ બેરાએ કાલે બુધવારે ખંભાળિયા તાલુકાના કેશોદ ઉપરાંત સીમાણી કાલાવડ, ચુડેશ્વર, ગોંઈજ, ચાર બારા, ઝાકશિયા અને હંજરાપર સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં મુલાકાત લીધી. સેંકડો આગેવાનો અને ગ્રામજનો સાથે બેઠક કરી. ભાજપા નું કમળ ખીલવવા સૌને આહવાન કર્યું. મતદારોએ મુળુભાઇ બેરાને વિજયી બનાવવા કોલ આપ્યો. આ તમામ બેઠકોમાં ગામોનાં વડીલો અને યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા. મુળુભાઇ બેરાનો જયજયકાર ખંભાળિયા અને ભાણવડ બંને તાલુકામાં આગળ વધી રહ્યો છે. મતદારોનું પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે.
-આજે મુળુભાઇ બેરાનો ચૂંટણી પ્રચાર ક્યાં ક્યાં ?
ખંભાળિયા-ભાણવડ વિધાનસભા બેઠક પરનાં ભાજપાનાં ઉમેદવાર મુળુભાઇ બેરાનો આજનો ગુરૂવારનો ચૂંટણી પ્રવાસ-પ્રચાર કાર્યક્રમ આ પ્રમાણે આયોજિત થયો છે. આજે ગુરુવારે સવારે 09/00 વાગ્યાથી તેઓએ પોતાના વિશાળ કાફલા સાથે વિજયપુર, મોખાણા, ઘુમલી અને ટીંબડી ગામમાં લોકસંપર્ક કર્યો. સ્થાનિક આગેવાનો અને કાર્યકરો તથા ગ્રામજનો સાથે બેઠક કરી. મતદારોએ તેઓને વિજયી બનાવવા કોલ આપ્યો. આ ઉપરાંત આજે તેઓનો કાફલો મોડપર-કપૂરડીનેસ, કલ્યાણપુર, જંબુસર અને જશાપર તરફ આગળ વધ્યા પછી અન્ય ગામો શિવા, આંબરડી, ફતેપુર અને વેરાડમાં પહોંચશે. આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો તથા ગ્રામજનો ઉમેદવાર મુળુભાઇ બેરાનો ઈંતજાર કરી રહ્યા છે.