Mysamachar.in-જામનગર:
જામનગરમાં થોડા દિવસો પૂર્વે બેડી મરીન પોલીસ મથકનો એક કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા બાદ આજે વધુ એક એસીબીની સફળ ટ્રેપ જામનગર જીલ્લામાં થઇ છે, જે રીતે વિગતો મળી રહી છે તે પ્રમાણે જામનગર તાલુકાના જામવંથલી ગ્રામ પંચાયતના બે સભ્યો રૂપિયા 3 લાખની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ચુક્યા છે.આમ નાના નાના ગામડાઓ સુધી ભ્રષ્ટાચારનો કેટલો સડો વ્યાપી ચુક્યો છે તેનું આ ઉદાહરણ સામે આવ્યું છે, શિવશકિત હોટલ, ધ્રાંગડા ગામના પાટીયા પાસે, જામનગર-રાજકોટ હાઈવે, ધ્રોલ નજીકથી આ બને લાંચ લેતા ઝડપાઈ ચુક્યા છે,
આ કેસના ફરીયાદીની કોન્ટ્રાકટ કંપની જામવંથલી ગામે પાવર પ્લાન્ટ તૈયાર કરી આપવાનું કામ કરતી હોય તેના માટે ગ્રામ પંચાયતનું એન.ઓ.સી. આપવા માટે અર્જુનસિંહ રણવીરસિંહ જાડેજા, ગ્રામ પંચાયત સભ્ય (પદાધિકારી), જામવંથલી ગ્રામ પંચાયત, તા.જી-જામનગર પોતાના તથા સરપંચ ઉપસરપંચના મળી અઢી લાખ તથા આ કામના નાથાભાઇ ગોવિંદભાઇ ટોરીયા, ગ્રામ પંચાયત સભ્ય (પદાધિકારી), જામવંથલી ગ્રામ પંચાયત, તા.જી-જામનગરના 50 હજાર મળી કુલ ત્રણ લાખની લાંચની માંગણી કરતાં ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવતા આ બન્ને આરોપીઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ત્રણ લાખ લાંચ પેટે સ્વીકારી પોતાના પદાધિકારી તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, ગુન્હાહીત ગેરવર્તણુંક આચરી, બન્ને પકડાઈ જતા એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે, આ કાર્યવાહી મદદનીશ નિયામક, એસીબી રાજકોટ એકમ એ.પી.જાડેજાના માર્ગદર્શન મુજબ પી.આઈ.પી.કે.ગઢવી, પોલીસ ઇન્સપેકટર, એસીબી મોરબીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.