Mysamachar.in-જામનગર
જામનગરના વિકાસગૃહ ખાતે આજે લાગણીસભર દ્રશ્યો સર્જાયા…કારણ કે જન્મથી જ જામનગર વિકાસગૃહમાં પહોચેલી રન્ના નામની દીકરીને કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ આજે યુએસએસ સ્થિત દંપતી દ્વારા દત્તક લેવાઈ છે, આ પ્રસંગે જામનગર સાંસદ પૂનમબેન માડમ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય લોકોની સાથે તેવો પણ ભાવુક થયા હતા,
રન્ના…. આ દીકરી આજથી પાંચ વર્ષ પહેલા તેને જામનગર વિકાસ ગૃહ ખાતે લાવવામાં આવી હતી અને તેનો ઉછેર અહી ખુબ સારી રીતે થઇ રહ્યો હતો, કોઈ જુએ તો તેના તરફ જોતું જ રહી જાય તેવી આ રન્ના હવે વિદેશી બની છે, અને તેનું નામ રન્નામાં થી એલી રૂથ થઇ જશે… હા કારણ કે વર્ષોની કાયદાકીય પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ આજે યુએસના દંપતી દસ્તીન કીમ કલ પેપર અને તેમના પત્ની ટોરી દ્વારા આ દીકરીને દતક લેવામાં આવી છે, આજે રન્નાને દત્તક આપવાનો કાર્યક્રમ જામનગર વિકાસગૃહ ખાતે જામનગર સાંસદ પૂનમબેન માડમની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો અને હવે આ બાળકી વિદેશ જવા રવાના થશે… સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગરે માહિતી આપતા કહ્યું કે જામનગર વિકાસગૃહ ખાતે પાંચ વર્ષના ઉછેર બાદ આ દીકરી યુએસએના ખુબ સુખી સંપન્ન પરિવારમાં આ દીકરી જઈ રહી છે, જેનો અમને આનંદ છે.
હાલ નવરાત્રી ચાલી રહી છે, ત્યારે સરસ મજાના ચણીયાચોળી પહેરેલ આ નાની ફૂલ જેવી દીકરીને દંપતીએ દતક લીધી ત્યારે આ દતકવિધિ સમારોહમાં ભારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા, આ તકે ઉપસ્થિત રહેલ જામનગર સાંસદ પૂનમબેન માડમ પણ થોડીવાર માટે ભાવુક થઇ ગયા હતા, અને તેવોએ આ દીકરી સાથેની પાંચ વર્ષ પહેલાની તેવો વિકાસગૃહમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ અને આ બાળકીને જોઈ હતી તે યાદો વાગોળી અને ખાસ તેના માટે હાજર રહી અને દત્તક લેનાર પરિવારને મળ્યા હતા અને મીડિયા સાથે વાતચીત કરી હતી અને દીકરીનો સારો ઉછેર યુએસએમાં આ દંપતી થકી થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો તો આ દીકરીને દત્તક લેનાર દંપતીએ પણ આ દીકરીને દત્તક લઇ અને ખુશી વ્યક્ત કરી હતી.આમ હવે રન્નાનું નશીબ તેને વિદેશ લઇ જઈ રહ્યું છે અને ત્યાં પોતાની જિંદગીની નવી સફર તરફનું પ્રયાણ આજથી કરશે ત્યારે તેનું ભવિષ્ય સદાયને માટે ઉજ્જવળ રહે તેવી સૌએ પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે આ વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 3 ના કોર્પોરેટરો સુભાષ જોશી, પરાગ પટેલ, અલ્કાબા જાડેજા, અને પન્નાબેન મારફતિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.