Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં રીક્ષાચાલકો માટે યુનિફોર્મ વાહનવ્યવહાર વિભાગ દ્વારા નક્કી કરાયો છે. રીક્ષાચાલકોને કપડાં ઉપર બ્લૂ (વાદળી) કલરનો એપ્રોન પહેરવો પડશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણય લીધો હોવાનું સામે આવી રહ્યું છે, આ એપ્રોન રીક્ષાચાલકોને ફરજિયાત પહેરવો જ પડશે. રીક્ષાચાલક એસોસિયેશન અને સરકાર સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગે એક પરિપત્ર બહાર પાડીને આ અંગે જાણકારી આપી છે. આ પરિપત્રમાં વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં ઓટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર મોટર વાહન અધિનિયમ 1988 તથા ગુજરાત મોટર વાહન નિયમો, 1989 અંતર્ગત ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે અલગથી યુનિફોર્મ નક્કી કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ રહી હતી. જેને પગલે રાજ્ય સરકારે 16-11-2019ના જાહેરનામાથી ગુજરાત મોટર વાહન નિયમો 1989માં સુધારો કરી જાહેર પરિવહનના વાહનોના ડ્રાઈવરોએ યુનિફોર્મ પહેરવાનો રહેશે તે મુજબની જોગવાઈ કરવામાં આવી છે.
ઉપરાંત પરિપત્રમાં આ અનુસંધાને ઓટો રિક્ષા ડ્રાઈવર્સનો યુનિફોર્મ નક્કી કરવા વિવિધ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ એસોસિયેશન સાથે બેઠક કરવામાં આવી હતી. આ વિવિધ બેઠકોમાં થયેલી ચર્ચા-વિચારણાના આધારે સરકારે ઓટો રીક્ષા ડ્રાઈવર્સના યુનિફોર્મ સંબંધમાં ઠરાવ કર્યો છે. આ ઠરાવ મુજબ રાજ્યના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે પહેરેલા કપડાને ઉપર વાદળી કલરના એપ્રનને યુનિફોર્મ તરીકે નક્કી કરવામાં આવે છે.