2022/23 માં તોલમાપ વિભાગે હોટેલ-રેસ્ટોરન્ટમાં ચેકીંગ કર્યું જ નથી !

મેનુકાર્ડમાં વજન ન દર્શાવી હોટેલ અને રેસ્ટોરન્ટ ગ્રાહકોને છેતરે છે : ફરિયાદ

2022/23 માં તોલમાપ વિભાગે હોટેલ-રેસ્ટોરન્ટમાં ચેકીંગ કર્યું જ નથી !
File image

Mysamachar.in:જામનગર

જામનગર અને દ્વારકા જિલ્લામાં હોટેલ અને રેસ્ટોરન્ટ વ્યવસાયમાં ગ્રાહકો સાથે જુદાં જુદાં પ્રકારની છેતરપિંડીઓ થતી રહે છે. ઘણાં ધંધાર્થીઓ તો ગ્રાહકો પાસેથી પૂરાં નાણાં વસૂલી લેવા છતાં ગ્રાહકોને વાસી ખાદ્ય પદાર્થો ખવડાવી દે છે ! કેમ કે, તંત્રો ક્યારેય સ્ફૂર્તિ દેખાડતાં નથી ! હોટેલ અને રેસ્ટોરન્ટ વ્યવસાયમાં ગ્રાહકોને વિવિધ પ્રકારના શાક સહિતની ચીજો પિરસવામાં આવે છે. આ સબ્જીનો ભાવ મેનુકાર્ડમાં દર્શાવેલો હોય છે પરંતુ એટલાં નાણાંથી આ ધંધાર્થીઓ ગ્રાહકોને તે ચીજો કેટલાં ગ્રામ આપે છે ?! તે જાણકારી ગ્રાહકોને મળતી નથી ! કારણ કે હોટેલ અને રેસ્ટોરન્ટ વ્યવસાયમાં મેનુ કાર્ડમાં ખાદ્યચીજોનું વજન દર્શાવવામાં આવતું નથી ! કાયદો એમ કહે છે કે, વજન દર્શાવવું ફરજિયાત છે. જો કે તોલમાપ વિભાગ આ અંગે ચેકીંગ કરતો નથી ! તેથી ધંધાર્થીઓને મોજ છે અને ગ્રાહકો પણ પૂરતાં પ્રમાણમાં જાગૃતિ ધરાવતાં નથી. જો કે કેટલાંક ગ્રાહકો ફરિયાદ નોંધાવે છે.

માય સમાચાર ડોટ ઈન સાથેની વાતચીતમાં જામનગર તોલમાપ વિભાગે જણાવ્યું છે કે, હોટેલ અને રેસ્ટોરન્ટ ધારકોએ મેનુ કાર્ડમાં ખાદ્યચીજોનું વજન લખ્યું છે કે કેમ ? તે અંગે ગત્ આખાં વર્ષ દરમિયાન ચેકીંગ કરવામાં આવ્યું નથી ! કેન્દ્ર સરકારનાં નિયમ મુજબ, મેનુ કાર્ડમાં ખાદ્યચીજોનું વજન ન દર્શાવનાર ધંધાર્થીને રૂ.1,000 નો દંડ કરી શકાય છે. જામનગર અને દ્વારકા ફૂડ સેફ્ટી એડવાઈઝરી કમીટીના સભ્ય કિશોરભાઈ મજીઠીયાએ રાજ્યનાં તથા જામનગરનાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા કલેકટરને તેમજ તોલમાપ વિભાગને જાણ કરી છે કે, જામનગર અને દ્વારકા જિલ્લામાં તથા હાઈવે પર મોટાભાગની હોટેલ અને રેસ્ટોરન્ટમાં મેનુ કાર્ડમાં ખાદ્યચીજોનું વજન દર્શાવવામાં આવતું નથી ! ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો મળી રહી છે.

આ ધંધાર્થીઓ પોતાનું કીચન એટલે કે રસોડું ગ્રાહકો જોઈ શકે એમ પારદર્શક રાખતાં નથી ! જામનગરમાં જાણીતી હોટેલો અને રેસ્ટોરન્ટમાં રસોડામાં શું 'રંધાઈ' રહ્યું છે ?! તેની જાણકારી ગ્રાહકોને મળતી નથી ! આ વ્યવસાયમાં ભેળસેળ ચકાસવા પૂરતાં નમૂનાઓ પણ લેવામાં આવતાં નથી ! હોટેલ અને રેસ્ટોરન્ટમાં વજનકાંટા રાખવામાં આવ્યા છે કે કેમ ? તેની ચકાસણી પણ કરવામાં આવતી નથી ! અત્રે એ પણ નોંધનીય છે કે, હોટેલ અને રેસ્ટોરન્ટ વ્યવસાયમાં જરૂરી સ્વચ્છતા પણ જાળવવામાં આવતી નથી, તે અંગે પણ તંત્રો ભાગ્યે જ કોઈ કડક કાર્યવાહી કરતાં હોય છે. સામાન્ય રીતે બધું જ 'સલામત' છે, એવી માન્યતા સાથે બધું ચાલતું રહે છે ! આ અંગે ગ્રાહકોએ પણ ગંભીરતા દાખવવી જોઈએ, એ પ્રકારની ચર્ચાઓ અને અપેક્ષાઓ તેજ બની છે.