તમારું બાળક મોબાઈલ લઈને બેસે તો સાવચેત થઇ જજો અને આ કિસ્સો વાંચી લેજો

મોબાઈલની બેટરી ફાટતા ભાઈ બહેન દાજી જતા સારવારમાં ખસેડવા પડ્યા

તમારું બાળક મોબાઈલ લઈને બેસે તો સાવચેત થઇ જજો અને આ કિસ્સો વાંચી લેજો
symbolic image

Mysamachar.in-રાજકોટ

આજના સમયમાં નાના બાળકોથી માંડીને મોટેરા એમ સૌ કોઈ મોબાઈલમાં તલ્લીન થયેલ જોવા મળે છે, પણ આ આદત આંખોને તો નુકશાન કરે છે. સાથે જ મોબાઈલનો બિનજરૂરી વપરાશ ના કરવાની પણ નિષ્ણાતો સલાહ આપે છે. એવામાં આજે એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો જેમાં મોબાઈલમાં ગેમ રમવામાં તલ્લીન થઇ ચુકેલા બાળકના મોબાઈલની બેટરી ફાટતા બે બાળકો દાજી જવાની ઘટના સામે આવી છે. જો કે હાલ બન્ને બાળકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં એક બાળકને થોડી વધુ ઈજાઓ પહોચી છે જ્યારે એક બાળકને સામાન્ય ઈજાઓ પહોચી હોવાનું જાણવા મળે છે,

વાંકાનેર તાલુકાના વિનયગઢનો આ બનાવ છે. જેમાં ઠાકોર પરિવારના બે બાળકો ગઈકાલે સાંજે મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા. ત્યારે સપના ઠાકોર અને વિજય ઠાકોર નામના બે બાળકો પાસે રહેલ ફોનની અચાનક બેટરી ફાટી હતી. જેના કારણે બંને ભાઈ-બહેન દાઝી જતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બાળક વિજય ઠાકોર ગંભીર રીતે દાઝ્યો હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદમાં ખસેડવામાં આવ્યો છે.

આ ઘટના વિશે ઈજાગ્રસ્ત બાળકોના નજીકના સબંધી એ કહ્યું કે બંને બાળકો મોબાઈલમાં રમી રહ્યા હતા, ત્યારે અમને પણ ખબર નહિ કે કેવી રીતે મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થયો. પણ બાળકોએ બેટરીના સેલને મોબાઈલ સાથે અડાડ્યો હતો. જેમાં દીકરો વિજય ગંભીર રીતે દાઝ્યો છે. જેમાં દીકરીની માત્ર હોઠ પર વાગ્યું છે. બંને બાળકોના માતાપિતા વાડીમાં કામ કરે છે. દીકરાને અમદાવાદ સારવાર માટે લઈ જવામાં આવ્યો છે, અને દીકરીની હાલ રાજકોટમાં સારવાર ચાલી રહી છે.