હનીટ્રેપનો ખેલ, તમારી પાસે અજાણી મહિલા લીફ્ટ માગે તો ચેતજો નહિતર આવું તમારી સાથે પણ થઇ શકે

જો કે પોલીસે પોલીસની ઓળખ આપનાર સહિતને ઝડપી પાડ્યા 

હનીટ્રેપનો ખેલ, તમારી પાસે અજાણી મહિલા લીફ્ટ માગે તો ચેતજો નહિતર આવું તમારી સાથે પણ થઇ શકે

Mysamachar.in-જુનાગઢ:

આજકાલ કોઈ પુરુષ ને ફસાવવા યુવતીઓ સહિતની કેટલીય ગેંગ ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં કાર્યરત છે, અને આવી ગેંગ કોઈ ચોક્કસ વ્યક્તિને ટાર્ગેટ બનાવી અને તેની પાસેથી પૈસા ઓળવવાનું કામ કરે છે, જુનાગઢના એક યુવક સાથે જ આવી જ ઘટના ઘટી જો કે પોલીસની સતર્કતાથી શિકારીઓ ખુદ શિકાર થઇ ગયા...

માહિતી મળી રહી છે તે મુજબ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધોળવા ગામ ખાતે રહેતા અને ખેતી કામ કરતા ભાવેશભાઈ બોરડ મેંદપરા ગામથી જૂનાગઢ તરફ પોતાના મોટર સાયકલ ઉપર આવતા હતા, દરમિયાન એક અજાણી મહિલાએ રોકી લિફ્ટ માંગતા પોતાના મોટર સાયકલ ઉપર બેસાડી થોડા આગળ જતાં બે મોટર સાયકલ સવારે પોતે એલસીબી પોલીસના માણસો હોવાની ઓળખ આપી, મહિલા કોણ છે, કેમ બીજાની બૈરીને લઈને ફરો છો..? તેવું જણાવી, મોટર સાયકલ ઉપર બેસાડી અપહરણ કરી જૂનાગઢ શહેરમાં લાવી, ગેરકાયદેસર અટકાયત કરી, મામલો પતાવવા પહેલા ત્રણ લાખની ખંડણી માંગી, રૂ. 1,20,000/- ખંડણી માંગી, ફરિયાદી ભાવેશ બોરડ નો ભાઈ મુકેશભાઈ બોરડ સુરત ખાતે હોઈ, આંગડિયામા રૂપિયા મોકલવાનું કહેતા, ભેંસણના આગેવાનો નટુભાઈ પોકીયા, દ્વારા જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને આ બાબતની જાણ કરવામાં આવેલ હતી.

પોલીસ દ્વારા હની ટ્રેપના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ, યુવકનું અપહરણ થયેલ હોઈ, યુવકને હનીટ્રેપના આરોપીઓની ચુંગાલમાંથી છોડાવવાની પ્રાથમિકતા રાખી, ગુન્હાની ગંભીરતાપૂર્વક તપાસ કરી, ગુનાના મૂળ સુધી પહોંચી, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા વ્યૂહરચના તૈયાર કરી હતી, આરોપીઓએ ફરિયાદીનું અપહરણ કરી, ફરિયાદીના મોબાઈલ દ્વારા ફરિયાદીના ભાઈ મુકેશભાઈ સાથે સુરત સંપર્ક કરી, ફરિયાદીના નામે જ આંગડિયા પેઢીમાં રૂપિયા મંગાવેલ હોઈ, આંગડિયા પેઢીની આજુબાજુ પોલીસ સ્ટાફ સિવિલ ડ્રેસમાં ગોઠવાઈ જતા.

ભોગ બનનાર ફરિયાદી તથા તેની સાથે એક આરોપી અરવિંદ ગજેરા રૂપિયા લેવા આવતા, ફરિયાદી અપહૃતને આરોપીની ચુંગાલમાંથી છોડાવેલ અને એક આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલ. રાઉન્ડ અપ કરેલ આરોપી અરવિંદ ગજેરાને અન્ય આરોપી સાથે વાત કરાવી, કાઉન્ટર ટ્રેપ કરી, ભવનાથ વિસ્તારમાંથી બીજા આરોપી તથા હનીટ્રેપમા સંડોવાયેલ મહિલાને પણ રાઉન્ડ અપ કરવામાં આવેલ. આમ, આ હનીટ્રેપના પ્રકરણમાં સંડોવાયેલ આરોપીઓ અરવિંદ ઉર્ફે અનિલ અંબાભાઈ ગજેરા, ભરત ડાયાભાઈ પારઘી તથા જિન્નતબેન ઉર્ફે બીબીબેન, અલ્લારખાભાઈ મોરવાડીયા ઘાંચી રાજકોટની કાઉન્ટર ટ્રેપ કરીને રાઉન્ડ અપ કરીને પકડી પાડવામા આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન ફરિયાદી ભાવેશભાઈ રામજીભાઈ બોરડ જાતે પટેલની ફરિયાદ આધારે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ હની ટ્રેપ, પોલીસના સ્વાંગમાં અપહરણ, ખંડણી, સહિતની કલમો મુજબ ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી જરૂરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.