Mysamachar.in-જામનગર:
ચૂંટણી લોકશાહીનું પર્વ છે – એવી એક ઉક્તિ ઘણાં લોકો બોલતાં હોય છે. ચૂંટણી કજિયાનું ઘર છે, એવું પણ ઘણાં લોકો કહેતાં હોય છે. અને, ઘણાં લોકોને મન – ચૂંટણી એટલે ભજિયાં, ગાંઠિયા, જમણવાર, પાર્ટી અને દારૂનો જલ્સો ! પરંતુ હવે, કંઇક નવું બનવા જઈ રહ્યું છે. ભજિયાં અને ગોટાં પ્રેમીઓને ગોટો ચડી શકે, એવાં અહેવાલો છે.
રાષ્ટ્રીય કક્ષાના એક અખબારે લખ્યું છે: ચૂંટણી પંચ ચૂંટણીઓ પૂર્વે અને મતદાન દરમિયાન ગેરરીતિઓ રોકવા કમ્મર કસી રહ્યું છે. દારૂ અને રોકડના બદલામાં મતદાનથી પણ આગળ વધીને પંચ અન્ય લોભામણી ગેરરીતિઓ પર ફોક્સ કરી રહ્યું હોવાના અહેવાલો એક રાષ્ટ્રીય અખબારના હવાલેથી મળી રહ્યા છે, ચૂંટણી પહેલાં અને મતદાન આસપાસના સમયમાં ભજિયાં, ગોટા, ગાંઠિયા, જમણવાર, પાર્ટી અને દારૂની મહેફિલો વિષે ઘણાં બધાં લોકો ઘણું બધું જાણતાં હોય છે. જો કે, આવી બાબતો પર સંપૂર્ણ રોક અમલમાં ભાગ્યે જ જોવા મળે છે ! બધે બધું ચાલતું રહેતું હોય છે ! અને, એ રીતે 75 વર્ષોથી લોકશાહી નું પર્વ ઉજવાતું રહે છે !
રિપોર્ટ અનુસાર, ચૂંટણી પંચ આ બધી બાબતો પર બાજનજર રાખવા પ્રયાસો અને વિચારણા કરી રહ્યું છે. આવી ‘ મોજ’ કરનારને મતદાન કરતાં કેમ અટકાવી શકાય ?! એ દિશામાં વિચારણા અને નિયમો તથા કાયદામાં જરૂરી સુધારા તથા ફેરફારો અંગે પણ પંચ ગંભીર હોવાનું આ રિપોર્ટ જણાવે છે.
આગામી સમયમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી પંચ કેવી કડકાઈ દેખાડે છે ? તે પણ જાણવા મળશે. જો કે, આપણે સૌ ચૂંટણી જમણવાર અને પાર્ટીઓ અંગે ચૂંટણી પંચ કરતાં ઘણું વધુ અને ઘણું બધું જાણીએ છીએ ! ખરૂં ને ?! આગામી સમયમાં મતદારોને કોઈ રાજકીય કાર્યકરો કે આગેવાનો દ્વારા થનારાં ડિજિટલ પેમેન્ટ પર પણ પંચ નજર રાખશે, એવું સમજાઈ રહ્યું છે.