Mysamachar.in-વડોદરા
આપણે ત્યાં ઘણા આસામીઓ પોતાના દાગીના, રોકડ રકમ, અને કીમતી દસ્તાવેજો જે ઘરમાં સચવાઈ તેમ ના હોય તેને બેન્કના લોકરમાં મૂકી અને બિન્દાસ્ત થઇ જાય છે, પણ આ વહેમ હવે મગજમાંથી કાઢી નાખજો કારણ કે એક એવી ઘટના સામે આવી છે, જેનાથી બધી નહિ પરંતુ અમુક બેન્કના લોકરમાં રહેલ સુરક્ષા પર ચોક્કસથી પ્રશ્ન થાય…. વાત કઈક એવી છે કે વડોદરાની બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર વિસ્તારમાં આવેલી બ્રાન્ચમાં લોકરરૂમમાં ઉધઈ આવી ગઈ હતી. જેની જાણ બેન્ક કર્મચારીઓને જ ન હતી. એવામાં જયારે એક મહિલા ખાતેદાર બેન્કના લોકરમાં મુકેલા રોકડા રૂપિયા લેવા આવ્યા ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો. મહિલા ખાતેદારના લોકરમાં મુકેલા રોકડા રૂપિયા 2 લાખથી વધારે ઉધઈ કાતરી ગઈ હોવાનું સામે આવતા હોબાળો મચી ગયો હતો.
બેન્કના એક મહિલા ખાતેદાર દ્વારા તેમના લોકરમાં રૂપિયા 2 લાખથી વધારે રોકડ રકમ મુકવામાં આવી હતી. જેમાં રૂપિયા 5, 10, 100 અને 500ની ચલણી નોટો હતી. મહિલા ખાતેદારને રોકડની જરૂર હોવાથી તેઓ બેન્કમાં લોકરમાંથી રકમ લેવા આવ્યા હતા. લોકર ખોલતાની સાથે જ તેમના હોંશ ઉડી ગયા હતા. લોકરમાં મુકેલી તેમની રૂપિયા 2 લાખથી વધુની રકમને ઉધઈ કોતરી ગઈ હતી. જે બાબતે મહિલાએ બેન્કના કર્મચારીઓને ફરિયાદ કરતાં તેમણે પણ લોકર રૂમમાં ઉધઈ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું. જો કે, બેન્ક કર્મચારીઓ દ્વારા અન્ય લોકરમાંથી પણ ઉધઈ આવી ગઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.જો કે હવે આગળ આ મામલે બેંક તેમની કોઈ જવાબદારી સ્વીકારશે કે કેમ તે જોવાનું છે.