તમે પણ રહેજો સાવચેત નહિ તો સ્પેશ્યલ મોબાઈલ નંબર મેળવવાના નામે છેતરાઈ જશો

અમદાવાદમાં ૩ શખ્સો ઝડપાયા

તમે પણ રહેજો સાવચેત નહિ તો સ્પેશ્યલ મોબાઈલ નંબર મેળવવાના નામે છેતરાઈ જશો
symbolic image

Mysamachar.in-અમદાવાદ

લોકોને સ્પેશ્યલ મોબાઈલ આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગના ત્રણ શખ્સોની સાઇબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. ઝડપાયેલા શખ્સો મેસેજ કરી અલગ-અલગ VVIP નંબર મોકલી બેંક એકાઉન્ટમાં રૂપિયા લઈ મોબાઈલ બંધ કરી દેતા હતા. સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના જીગ્નેશ કારીયા, વિજય રાઠોડ અને પ્રશાંત જોશીની ધરપકડ કરી છે. આરોપીઓ છેતરપિંડી કરવા માટે અલગ-અલગ એકાઉન્ટની વ્યવસ્થા કરી આપતા હતા અને જેના અવેજમાં આ લોકોને 10 ટકા કમિશન મળતું હતું. આ સમગ્ર રેકેટ મુંબઈથી ચાલી રહ્યું હતું. લોકોને મેસેજ અને ફોન પણ મુંબઈથી આવતા હતા.

13 જૂનના રોજ એક ફરિયાદી ફરિયાદ કરી હતી કે તેમના મોબાઈલ નંબર પર મેસેજ આવ્યો હતો અને જેમાં VVIP નંબર જોઈતો હોય તો 50 હજાર ચૂકવવા પડશે અને સાથે સાથે 18 ટકા GST લાગશે તેવી વિગત હતી. જે બાદમાં ફરિયાદીએ રૂપિયા મોકલી આપ્યા હતા અને આરોપીઓ સામેથી ઇનવોઇસની નકલી કોપી પણ મોકલી આપી હતી. બાદમાં સિમકાર્ડ ઘરે ન આવતા ફરિયાદીએ ફોન કર્યો હતો ત્યારે તે નંબર બંધ આવી રહ્યો હતો. આ મામલે તપાસ કરતા ગુજરાતમાં મુખ્ય આરોપી જીગ્નેશ હોવાનું સામે આવ્યું છે. જીગ્નેશ 2018 થી કૌભાંડમાં જોડાયેલો છે. તપાસમાં સામે આવ્યું છે કે મેસેજ કરવા જે હેડર બનવવામાં આવ્યું છે તે હરિયાણામાં બનેલું છે પરંતુ તે મુંબઈથી ઓપરેટ થઈ રહ્યું હતું. હાલ આ મામલે બે ફરિયાદ સામે આવી છે. પોલીસનું માનવું છે કે અનેક લોકો આ ગેંગના ભોગ બની ચુક્યા છે. હાલ પોલીસ અલગ અલગ એકાઉન્ટની પણ તપાસ કરી રહી છે.