ગાંધીનગરનો આદેશ હોય, જગતમંદિર આસપાસનાં દબાણો હટશે જ

ચીફ ઓફિસરે દબાણો હટાવવામાં નોટિસો આપ્યા પછી, લાંબો સમય ખેંચી કાઢયો.....

ગાંધીનગરનો આદેશ હોય, જગતમંદિર આસપાસનાં દબાણો હટશે જ

Mysamachar.in:દેવભૂમિ દ્વારકા

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દેવભૂમિ દ્વારકા ખાતે જગતમંદિર નજીકનાં વેપારીઓનાં દબાણો છેલ્લા કેટલાંક સમયથી ચર્ચામાં છે. જો કે રાજય સરકાર ખુદ આ દબાણો હટે તેવું ઈચ્છતી હોય, આ દબાણો દૂર તો થશે જ એમ સમજાઈ રહ્યું છે. અને દબાણો હટાવવા પહેલાંની કાર્યવાહી અને કામગીરીઓ હાલ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. દ્વારકા જગતમંદિર આસપાસની બજાર તરફની જગ્યા એક તો એકદમ સાંકડી છે. એમાં પણ અહીં પુષ્કળ દબાણો છે. જે પૈકી કેટલાંક દબાણો કાયમી અથવા પાકા છે અને કેટલાંક દબાણો હંગામી એટલે કે કાચા પણ છે. જે તમામ દબાણકારોને અગાઉ નોટિસ અપાઈ ચૂકી છે પરંતુ લાંબા સમયથી આ દબાણો દૂર કરવામાં આવ્યા નથી ! આ સ્થિતિમાં નોટિસનો અર્થ શું રહે ?! ચીફ ઓફિસર ઘણાં સમયથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરતાં ન હોય યાત્રાધામમાં ઘણાં સમયથી ચર્ચાઓ પણ ચાલે છે.

કેટલાંક લોકો કહે છે કે, પાલિકામાં કેટલાંક લોકો એવા છે જેઓ ઇચ્છે છે કે દબાણો હટાવવાની કામગીરીમાં વિલંબ થાય. આ પ્રકારનાં લોકોએ અત્યાર સુધીમાં રાજકીય કળ અને તાકાત પણ અજમાવી લીધી હોવાનું પણ કહેવાય છે. જો કે, તેની સામે એવી પણ વાત છે કે, સ્થાનિક આગેવાનો અને વગદારોનું આ કેસમાં કશું ઉપજે એમ નથી કારણ કે, ખુદ ગાંધીનગર ઇચ્છે છે કે, દબાણો હટી જાય. સરકાર અહિં 'વિકાસ' ઈચ્છે છે એટલે દબાણોએ તો જવું જ પડશે.

થોડાં મહિનાઓ પહેલાં યાત્રાધામ બેટ દ્વારકા અને યાત્રાધામ હર્ષદ ખાતે પણ દબાણકારોએ દબાણો છોડી દેવા પડયા હતાં. ખુદ વડાપ્રધાન એ સંદર્ભે જામનગર ચૂંટણીસભામાં બોલ્યા હતાં કે બધું સફાચટ. અને સ્ટેજ પર બિરાજમાન મુખ્યમંત્રીને વડાપ્રધાને જાહેરમાં અભિનંદન પણ આપ્યા હતાં. દ્વારકા યાત્રાધામ ખાતે પણ આગામી ગણતરીનાં દિવસોમાં મંદિર નજીક બધું જ એટલે કે બધાં જ દબાણો સફાચટ થશે જ. આ માટે જરૂરી પોલીસ બંદોબસ્ત પણ મંગાઈ ચૂકયો છે. હવે ચીફ ઓફિસર પણ આ કામગીરીમાં વિલંબ નહીં કરે એવું સમજાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે દ્વારકા કોરિડોર બન્યા પહેલાં દ્વારકામાં આ પ્રકારની બાબતોમાં સૌએ ટેવાઈ જવું પડશે એમ જાણકારો કહે છે.