વ્યાજખોર શખ્સનો આતંક, વેપારીના પુત્રએ ઘર છોડી દીધું તો આ શખ્સે ઘરે જઈ અને....

થોડા સમય પૂર્વે પણ આ વેપારીના ઘરમાં પડેલ કાર પર કેટલાક શખ્સોએ...

વ્યાજખોર શખ્સનો આતંક, વેપારીના પુત્રએ ઘર છોડી દીધું તો આ શખ્સે ઘરે જઈ અને....

Mysamachar.in-જામનગર

જામનગરમાં વ્યાજખોર શખ્સોનો રાફડો ફાટ્યો છે, ગળામાં મોટા ચેઈન અને હાથમાં દરેક આંગળીઓ વીંટીઓ અને એકાદ સારી ફોરવ્હીલ લઈને કેટલાય શખ્સોએ કાયદા અને નીતિનિયમોને નેવે મુકીને વ્યાજવટાવના ધંધા શરુ કર્યા છે, અને કોઈની મજબુરીનો લાભ કઈ રીતે લઇ શકાય તે વ્યાજખોરો સારી રીતે જાણે છે, જામનગરમાં જાણે મની લેન્ડ એકટના કાયદાનો તો જાણે ડર રહ્યો ના હોય તેમ આવી જ વધુ એક ફરિયાદ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે, જેમાં જામનગરના જાણીતા બોકસાઈટ ધંધાર્થીના ઘરે પહોચી એક માથાભારે શખ્સે બોલાચાલી કરી લાખોનું સોનું બળજબરીથી કઢાવી ધાક ધમકી આપી હોવાની વેપારીએ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનામાં પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ જામનગરમાં ખોડીયાર કોલોની નજીક આવેલ જય કો-ઓપરેટીવ સોસાયટીમાં રહેતા બોક્સાઈટના વેપારી અરવિંદ પાબારીએ દેવેન્દ્રસિંહ પરમાર નામના શખ્સ સામે સીટી સી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2019માં ધંધાર્થે અરવિંદભાઈના પુત્ર જયએ દેવેન્દ્રસિંહ પરમાર પાસેથી રૂપિયા 25 લાખની રકમ દસ ટકાના વ્યાજે  હતી. વેપારી પુત્રએ શરૂઆતમાં કટકે કટકે વ્યાજ ભર્યા બાદ આર્થિક સંકળામણ થતા વ્યાજ કે મુદ્દલ ચૂકવી શકવા અસમર્થ હતા,

બીજી તરફ વ્યાજખોરની ધમકી મળતા ગત તા. 30/7/2019 થી પોતાનો મોબાઈલ ઘરે છોડી ઘર છોડી ચાલ્યો ગયો છે. જેને લઈને આરોપી દેવેન્દ્રસિંહે પોતાની વ્યાજ સહિતની રકમ પરત મેળવવા જયના ઘર સુધી પહોચ્યો હતો. ઘરે પહોચેલ દેવેન્દ્રસિંહ પરમારે જયના પિતા અરવિંદભાઈ સામે બેફામ વાણી વિલાસ આચરી બળજબરીથી રૂપિયા 5,00,000 સોનું લઇ ધમકી આપી ચાલ્યો ગયો હતો. એવામાં ત્રણ દિવસ પૂર્વ આ મામલે વધુ એક વખત વેપારી અરવિંદભાઈને ફોન કરી ધમકી આપી ગુમ પુત્ર જયએ આપેલ ચેકમાં આરોપીએ રૂપિયા 72 લાખની રકમ ભરી બેંકમાં નાખ્યો હતો. જો કે ખાતું જ બંધ હોવાથી ચેક રીટર્ન થયો હતો. આ સમગ્ર મામલે સી ડીવીઝન પોલીસે ફરિયાદ લઇ અને ઘરના સીસીટીવી ફૂટેજ કોલ રેકોર્ડીંગ સહિતના પુરાવાઓની ચકાસણી હાથ ધરી છે.