કોઈ લોન અપાવવાનું કહે તો વાતોમાં આવી જતા પૂર્વે આ કિસ્સો વાંચજો

કેટલાક સાગરિત પોલીસ પણ બન્યા

કોઈ લોન અપાવવાનું કહે તો વાતોમાં આવી જતા પૂર્વે આ કિસ્સો વાંચજો

Mysamachar.in:વડોદરા

કોઈ પણ વ્યવસાય કે ઘર વસાવવા માટે ઘણા લોકો લોન લેતા હોય છે, પણ અધિકૃત બેન્કોના અધિકૃત કર્મચારીઓ સિવાય કોઈ અજાણ્યા વ્યક્તિઓની વાતોમાં આવી જઈ અને ભરોસો કરવામાં આવે તો આ ભરોષો ભારે પડી શકે છે, વોટર પ્લાન્ટ માટે રૂપિયા 12 કરોડની લોન અપાવવાની લાલચ આપી પૂનાના વેપારીને વડોદરા બોલાવી રૂપિયા 20 લાખ પડાવી લેનાર પૂના-મહારાષ્ટ્રની ભેજાબાજ ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં મુખ્ય સુત્રધાર સહિત 6 ભેજાબાજોની ધરપકડ કરી છે. જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

આ અંગેની વિગતો કઈક એવી છે કે પૂનામાં રહેતા પ્રશાંત નન્નાવડે પૂના ખાતે વોટર પ્લાન્ટ નાંખવાનો હતો. તેઓને રૂપિયા 12 કરોડની જરૂરીયાત હતી. તેઓ પ્રાઇવેટ ફાઇનાન્સ અથવા લોન માટે પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન તેઓને તેમના મિત્ર દ્વારા ભેજાબાજ ટોળકીના સુત્રધાર રોહિત ભીમરાવ જાદવનો સંપર્ક થયો હતો. લોન અપાવવાના નામે છેતરપિંડી કરનાર ટોળકીનો સુત્રધાર રોહિત જાદવે લોન લેવા માટે ફરતા જરુરીયાત મંદોનો શિકાર શોધવા પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર પ્રાઇવેટ ફાઇનાન્સ માટેની જાહેરાત કરતો હતો. વેપારી પ્રશાંતનો સંપર્ક રોહિત સાથે થયા બાદ બંને વચ્ચે લોન લેવા માટે સીલસીલો શરૂ થઇ ગયો હતો. સતત બે માસ સુધી પુનામાં વેપારી પ્રશાંત નન્નાવડે અને રોહિત જાદવ વચ્ચે મિટીંગ થઇ હતી અને આખરી મીટીંગમાં ભેજાબાજ રોહિત જાદવે રૂપિયા 12 કરોડની લોન થઇ જશે તેવી ખાતરી આપી હતી.

દરમિયાન ભેજાબાજ રોહિત જાદવે વેપારી પ્રશાંતને જણાવ્યું હતું કે, રૂપિયા 12 કરોડની લોન સામે રૂપિયા 20 લાખ પ્રોસેસના તૈયાર રાખવા પડશે અને તે માટે વડોદરામાં બેંક મેનેજર અજીત જોશી સાથે મીટીંગ કરવી પડશે. રૂપિયા 20 લાખ તેઓને આપ્યા બાદ રૂપિયા 12 કરોડ તમોને મળી જશે. પૂર્વ આયોજન પ્રમાણે રોહિત જાદવ સયાજી ગંજમાં એક હોટલમાં પોતાની ટોળકી સાથે રોકાયો હતો અને તા. 5 એપ્રિલના રોજ વેપારી પ્રશાંત નન્નાવડેને હોટલમાં બેંક મેનેજર અજીત જોષી સાથે મિટીંગ કરવાના નામે બોલાવ્યો હતો. પ્રશાંત નન્નાવડે રૂપિયા 20 લાખ લઇ હોટલમાં પહોંચી ગયો હતો. હોટલમાં ગયા બાદ પ્રશાંતે રૂપિયા 12 કરોડ બતાવવાનું જણાવતા ટોળકીએ કોરા કાગળો ભરેલો કોથળો બતાવ્યો હતો. પરંતુ, પ્રશાંતે કોથળામાંથી રોકડ રકમ કાઢીને બતાવવા નું કહેતા ટોળકી તૈયાર થઇ નહોતી.

આ ઘટનાક્રમ દરમિયાન વેપારી પ્રશાંત પાસેથી રૂપિયા 20 લાખ આંચકી લેવા માટે રોહિત જાદવની ટોળકીના જ બે સાગરીતો પોલીસ બનીને આવી પહોંચતા પ્રશાંત ગભરાઇ ગયો હતો. આ સમય દરમિયાન તેણે વડોદરા પોલીસનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. આ ભેજાબાજ ટોળકીએ આ કાવતરાને પાર પાડવા માટે વડોદરામાં રહેતા વિક્રમ વિજય પવારની મદદ લીધી હતી. સયાજીગંજ પોલીસે આ બનાવમાં ટોળકી પાસેથી રૂપિયા 15 લાખ રોકડા, 20 મોબાઇલ ફોન અને કાર મળી કુલ રૂપિયા 30, 60,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે, 5 લાખ લઇ ટોળકીના અન્ય સાગરીતો ફરાર થઇ ગયા હતા.

આ અંગે નાયબ પોલીસ કમિશનર ડી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, પૂના-મહારાષ્ટ્રની આ ભેજાબાજ ટોળકી બેંક મેનેજર તરીકે જે અજીત જોષીનું નામ આપતી હતી, તે ખરેખર બેંક મેનેજર છે અને તેના અન્ય બે સાગરીતો કોણ છે? તે દીશામાં તપાસ ચાલી રહી છે. ઉપરાંત ભૂતડીઝાંપા પાસે જે ઓફિસ બતાવવામાં આવી હતી. તે ઓફિસના માલિક કોણ છે અને આ ટોળકી સાથે તેઓની સંડોવણી છે કે કેમ? તે દીશામાં પણ તપાસ ચાલી રહી છે. આ ટોળકીના ઝડપાયેલા 6 સાગરીતો પૈકી યશ હેમરાજ રાવલ બેંક એક્સપર્ટ તરીકેની ભૂમિકા ભજવતો હતો. જ્યારે નિર્ભયસીંગ હુંજન વોચર તરીકેની ભૂમિકા ભજવતો હતો.