Mysamachar.in:અમદાવાદ
અમદાવાદ શહેરમાં છેતરપિંડીની એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા મૂળ બનાસકાંઠાનાં પ્રવીણભાઈ પરમાર કાલુપુરમાં એક પ્લાસ્ટિકની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. ગત ઓક્ટોબર માસમાં તેમના સંતાનો ઘરે હતા ત્યારે તેમની પુત્રીએ તેમને ફોન કર્યો અને પૂછ્યું કે પપ્પા તમને અકસ્માત થયો છે? દિકરીનો સવાલ સાંભળીને પિતાએ અકસ્માત નહીં થયો હોવાનું જણાવ્યું હતું. ત્યારે તેમની પુત્રીએ જણાવ્યું કે તમે અને મમ્મી નોકરીએ ગયા ત્યારે એક ભાઈ આવ્યો હતો. જે ભાઈએ રાહુલને બોલાવીને કહ્યું કે “તારા પપ્પાનો અકસ્માત થયો છે”
દવા માટે ઘરમાં રૂપિયા પડયા હોય તો લઈ લે.જેથી તેણે ઘરમાં કબાટમાંથી 80 હજાર કાઢી આ વ્યક્તિને આપી દીધા હતા. જે વ્યક્તિએ 48 હજાર કાઢી લીધા અને 32 હજાર પરત આપી દીધા હતા. બાદમાં પ્રવીણભાઈનાં પુત્ર રાહુલને તે હોસ્પિટલ સાથે આવવાનું કહેતા તેણે પિતાને ફોન કરવાનું કહ્યું હતું. જેથી નંબર લગાવવાનો ડોળ કરી ગઠીયાએ ફોન નથી લાગતો કહી રાહુલને લઈ ગયો હતો. રાહુલ પાડોશમાં રહેતા એક છોકરાને પણ સાથે લઈ ગયો હતો.ટોલનાકા પાસેથી રિક્ષામાં આ ગઠિયો સુભાસબ્રિજ પાસે લઈ ગયો અને સામેનું કોમ્પકલેક્સ બતાવી તારી માતાને લઈને અહીં આવજે કહી ફરી રિક્ષામાં બેસાડી ઘરે મોકલી આપ્યો હતો. બાદમાં સંતાનોએ પ્રવીણભાઈને ફોન કરતા મામલાની જાણ થઈ અને કોઈ ગઠિયો ઉલ્લુ બનાવી 48 હજાર લઈ ફરાર થઈ ગયો હતો. જેથી સમગ્ર બાબતની પ્રવીણ ભાઈએ ફરિયાદ નોંધાવતા હવે સાબરમતી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી ગઠિયાને શોધવા તજવીજ હાથ ધરી છે.