મારે બાળક દત્તક લેવું છે: પણ ક્યાંથી, કેવી રીતે?

આંતરરાષ્ટ્રીય દત્તક માસ નવેમ્બર 2020 નિમિત્તે જાણો આ દરેક સવાલના જવાબ

મારે બાળક દત્તક લેવું છે: પણ ક્યાંથી, કેવી રીતે?
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

ભારતમાં દરવર્ષે લાખોની સંખ્યામાં બાળકો જન્મે છે.જેના કારણે જન સામાન્યમાં “વસ્તીવૃદ્ધિ” એક સમસ્યાના સ્વરૂપમાં સર્વે માટે સ્વીકૃત છે. જેને નાથવા માટે સરકાર અને આપણે ચિંતિત છીએ અને ક્યારેક નાના મોટા પ્રયત્નો પણ કરવામાં આવતા હોય છે પણ સિક્કાની બીજી તરફ આપણાં જ સમાજમાં એક એવી પણ સમસ્યા છે કે જેની ચર્ચા મોટા ભાગે લોકો કરતાં નથી અથવા તો કરવાનું ટાળે છે તે છે “નિ:સંતાન દંપતી”. આપણાં કહેવાતા સભ્ય સમાજમાં આ સમસ્યા તરીકે સર્વે સ્વીકૃત નથી થયેલ જેથી લોકો આ વિષય પર ખૂલીને વાત નથી કરતાં અને જે આ સમસ્યાનો ભોગ બને છે તેને કોઈ યોગ્ય ઉપાય યોગ્ય સમય પર મળતો નથી હોતો.

જેથી તે પણ અંદર ને અંદર પોતાના દાંપત્ય જીવનના અમુલ્ય વર્ષો વિતાવી દે છે અને અમુક દાયકાઓ પછી પોતે પણ સ્વીકારી લે છે કે હા “ભગવાને આપણાં નસીબમાં બાળકનું સુખ નથી આપ્યું” તો તેમાં આપણે પણ શું કરી શકીએ? પરંતુ આજના યુગમાં મેડિકલ સાયન્સ ઘણી પ્રગતિ કરી ચૂકેલ છે. સેરોગેટ મધર, ટેસ્ટટ્યુબબેબી(IVF), બાળક દત્તક લેવું જેવા અનેક ઉપાયો છે. જેને અપનાવીને બાળકની કિલકારી, બાળકનું સુખ, માતૃત્વ અને પિતૃત્વનો અનુભવ આજ ભવમાં મેળવી શકે છે. જરૂરત છે ફક્ત યોગ્ય સમય પર યોગ્ય રસ્તો પસંદ કરી વાલીપણાનો એક અદભૂત અહેસાસ કરવાની. 

બાળકોની સુરક્ષાની જવાબદારી એક મહાન જવાબદારી છે, કારણ કે બાળકોએ આપણા દેશનું ભવિષ્ય છે અને બાળકો માત્ર જવાબદાર પરિવારોથી સુરક્ષિત રહી શકે છે. આજે આંતરરાષ્ટ્રીય દત્તક માસ નવેમ્બર-2020 નિમિત્તે બાળક દત્તક લેવા અંગે સમાજમાં ઘણી બધી માન્યતા/ ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. બાળક દત્તક લેવા માટેની તમામ બાબતો વિષે જેવી કે બાળક દત્તક કોણ લઈ શકે ? કેવી રીતે લઈ શકે ? ક્યાંથી લઈ શકાય? કેટલા વર્ષનું બાળક દત્તક લઈ શકાય ? જેવા અનેક સવાલોના જવાબ આપવાનો,તે બાબતે સાચી સમજણ આપવાનો એક નાનો પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે.

ભારતમાં 0 થી 18 વર્ષની ઉંમરનાં અનાથ, નિરાધાર બાળકોને વહેલી તકે પુનઃસ્થાપિત કરવા માટે જરૂરીયાતમંદ વાલીઓ કે જેમને પોતાના બાળકો નથી. તેવા દંપતિઓને આ અનાથ બાળકો દત્તકમાં આપવામાં આવે છે અને નવા સુધારા મુજબ જે દંપતીને પોતાનું જૈવિક બાળક / બાળકો છે તે પણ બાળક દત્તક લઈ શકે છે. ગુજરાત સરકાર દ્વારા તથા ભારત સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલ કુલ– 19 સંસ્થાઓ બાળક દત્તક આપવાની કામગીરી કરી રહી છે. સમગ્ર દેશમાં નિયંત્રણ રાખવા માટે [CARA] સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી, નવી દિલ્હીની રચના ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી  "CARA" દ્વારા તથા નામદાર સુપ્રિમ કોર્ટ તેમજ નામદાર હાઈકોર્ટ દ્વારા વખતોવખત આપવામાં આવેલ માર્ગદર્શક સુચનાઓ મુજબ દત્તકની કામગીરી હાથ ધરાય છે. બાળકને દત્તકમાં લેવા ઈચ્છનાર અરજદાર દંપતિની આર્થિક,કૌટુંબિક, સામાજિક, વૈઘકિય, શૈક્ષણિક વગેરે તમામ પાસાઓની ચકાસણી કરી બાળકોનો યોગ્ય ઉછેર કરવા માટે અરજદાર દંપતિ યોગ્ય છે કે કેમ ? તે ઘ્યાને લઇ જીલ્લા એડોપ્શન કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવે છે અને [CWC] ચાઇલ્ડ વેલ્ફેર કમીટીના આદેશથી બાળકોને દત્તકમાં આપવામાં આવે છે. જુવેનાઈલ જસ્ટીસ એકટ 2015 હેઠળ દત્તક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

-બાળક દત્તક કોણ લઈ શકે ?

શારીરિક, માનસિક અને ભાવનાત્મક અને નાણાકીય રીતે સક્ષમ વૈવાહિક દંપતી, તેમના પોતાના જૈવિક પુત્ર કે પુત્રી હોય કે ના હોય. ત્રણ અથવા વધુ બાળકો ધરાવતા દંપતી / કોઈ પણ એકલી સ્ત્રી કોઈ પણ (જાતિ:છોકરો/છોકરી) કે એકલો પુરુષ પણ (જાતિ:છોકરો) બાળક દત્તક લઈ શકે છે. કોઈ પણ દંપતી કે જેમનું વૈવાહિક સંબંધ ઓછામાં ઓછા બે વર્ષથી ઓછો છે તે બાળક દત્તક લેવા માટે સક્ષમ નથી.

- કેવી રીતે લઈ શકાય અને ક્યાંથી લઈ શકાય??
સમગ્ર ભારતભરમાં માત્ર ઓનલાઈન અરજી www.cara.nic.inમારફત જ બાળક દત્તક લઈ શકાય છે. જે દંપતી કે એકલી સ્ત્રી કે એકલો પુરુષ ઓનલાઇન રજીસ્ટર કરવા માટે સમર્થ ન હોય તોતમારી ઑનલાઇન અરજી રજીસ્ટર કરવા માટે જિલ્લાની બાળ સુરક્ષાકચેરી (DCPU) અથવા જીલ્લાની અથવા નજીકના જીલ્લાની ખાસ દત્તક સંસ્થા (SAA)નો સંપર્ક કરી શકો છો. ઓનલાઇન પ્રક્રિયા બાદ દત્તક વિધાનના વિવિધ તબક્કાઓ પૂર્ણ કરી ખાસ દત્તક સંસ્થા (SAA)માંથી બાળક મેળવી શકાય છે. 

-કેટલા વર્ષનું બાળક દત્તક લઈ શકાય ?
જે દંપતી / એકલી સ્ત્રી કે એકલો પુરુષ બાળક દત્તક લેવા ઈચ્છુક છે તેઓ 0 થી 18 વર્ષ સુધીનું બાળક દત્તક મેળવી શકે છે. સંભવિત દંપતી / એકલી સ્ત્રી કે એકલો પુરષની ઉમર મુજબ બાળક મળવાપાત્ર હોય છે જે નીચે મુજબ છે. મળવા પાત્ર બાળકની ઉમર બાળક દત્તક મેળવવા ઇચ્છુક (દંપતી) ની મહત્તમ વય મર્યાદા (બન્નેની ઉમરનો કુલ સરવાળો) બાળક દત્તક મેળવવા ઇચ્છુક એકલી સ્ત્રી કે એકલો પુરુષ ની મહત્તમ વય મર્યાદા

04વર્ષ સુધીનું  90 વર્ષ 45 વર્ષ
04 વર્ષ થી 8 વર્ષ સુધીનું 100 વર્ષ  50 વર્ષ
08 વર્ષ થી 18 વર્ષ સુધીનું 110  વર્ષ 55 વર્ષ 

-કયાં ડોકયુમેંટની જરૂરત પડશે ?
• સંભવિત દંપતી કે એકલી સ્ત્રી કે એકલો પુરુષના વર્તમાન ફોટોગ્રાફ / કુટુંબ સાથેના ફોટોગ્રાફ
• સંભવિત દંપતી કે એકલી સ્ત્રી કે એકલો પુરુષના પાન કાર્ડ
• સંભવિત દંપતીકે એકલી સ્ત્રી કે એકલો પુરુષના જન્મ તારીખનો પુરાવો
• રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ / મતદાર કાર્ડ / પાસપોર્ટ / વર્તમાન વીજળી બિલ / ટેલિફોન બિલ)
• ગત વર્ષની આવકના પુરાવા (સરકારી વિભાગ / આવકવેરા રીટર્ન દ્વારા જારી કરાયેલ વેતન કાપલી / આવક પ્રમાણપત્ર)
• દંપતી / એકલી સ્ત્રી કે એકલો પુરુષ, કોઈપણ ક્રોનિક, ચેપી અથવા જીવલેણ રોગથી પીડાતા નથી, માનસિક સ્વાસ્થ્ય અને તેઓ બાળક અપનાવવા યોગ્ય છે તેવું તબીબી વ્યવસાયી દ્વારા પ્રમાણિત સર્ટિફિકેટ (દંપતીના કિસ્સામાં બંને અરજદારોના મેડિકલ સર્ટિફિકેટ)
• લગ્નનું પ્રમાણપત્ર
• કાયદા દ્વારા છૂટાછેડાની બાબતમાં છૂટાછેડા સંબંધમાં સક્ષમ અદાલત અથવા હુકમનામાની હકાલપટ્ટી/ઘોષણાપત્ર, જ્યાં છૂટાછેડાની હુકમ ફરજિયાત નથી. (જો લાગુ પડતું હોય તો) એકલી સ્ત્રી કે એકલો પુરુષના કિસ્સામાં પતિ / પત્નીનું મૃત્યુ પ્રમાણપત્ર ફરજિયાત નથી.
• દત્તક લેવાના સમર્થનમાં પરિચિતો અથવા સંબંધીઓનાબે સંદર્ભપત્ર
• જૈવિક બાળકની ઉમર 05 વર્ષ થી વધુ હોય તેવા કિસ્સામાં બાળક / બાળકોની દત્તક લેવા માટેની મંજૂરી.

-બાળક દત્તક મેળવવા વધુ માહિતી માટે ક્યાં સંપર્ક કરવો ?
1) જીલ્લા બાળ સુરક્ષા એકમ જામનગર, જીલ્લા સેવા સદન 04, ઓફીસ નંબર 61, રાજ પાર્ક, રાજકોટ રોડ, જામનગર. ફોન નંબર 0288– 2571098
2) શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, ખાસ દ્તક સંસ્થા, વિકાસ ગૃહ રોડ, જામનગર. ફોન નંબર 0288 – 2676983