હું પણ દાવેદાર..! જામનગર મહાનગરપાલિકાની 64 બેઠક માટે ભાજપના 500 થી વધુ દાવેદાર

આજે નિરીક્ષકો ત્રણ અલગ અલગ સ્થળોએ દાવેદારોને સાંભળી રહ્યા છે.

હું પણ દાવેદાર..! જામનગર મહાનગરપાલિકાની 64 બેઠક માટે ભાજપના 500 થી વધુ દાવેદાર

Mysamachar.in-જામનગર

ગઈકાલે રાજ્યના ચુંટણી આયોગ દ્વારા રાજ્યની સ્થાનિક સ્વરાજની ચુંટણીઓની જાહેરાત કરી દેતા હવે સ્વાભાવિક દરેક પાર્ટી, દરેક દાવેદાર કામે લાગશે, સમય ખુબ ઓછો છે.. તોડજોડની નીતીઓ કામે લાગશે આ તમામ વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નિરીક્ષકો શહેરના જુદા જુદા ત્રણ સ્થળોએ દાવેદારી કરનારાઓને સાંભળી રહ્યા છે, “દરેક કહે છે હું પણ ઉમેદવાર મને ટીકીટ આપો..” પણ સૌ જાણે છે તેમ પક્ષોમાં સેન્સની પ્રક્રિયા મોટાભાગે સિમ્બોલિક હોય છે, બાકી તો યોગ્યતા અને ભલામણોનો દૌર વગેરે કામ કરી જતા હોય છે જે સર્વવિદિત છે. અને તેના આધારે જ ટીકીટ લાયકોને આપવામાં આવતી હોય છે.

જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડ અને માત્ર 64 બેઠક માટે ભાજપના નિરીક્ષકો આજે સેન્સ લેવાની કાર્યવાહીનો આરમ્ભ કર્યો છે, આ વચ્ચે સૌથી આશ્ચર્યની વાત એ છે કે 64 સીટ માટે 500 થી વધુ દાવેદારોએ ફોર્મ લીધા છે, ત્યારે સ્વાભાવિક જ સેન્સની પ્રક્રિયા સિમ્બોલિક બની રહેશે  તેવું રાજકીય વિશ્લેષકો માને છે. તો 50% મહિલા અનામત વચ્ચે મહિલા દાવેદારોની સંખ્યા પણ આજની સેન્સ દરમિયાન મહત્વની બની રહી હતી.આ લખાય છે ત્યાં સુધીમાં દિવ્યેશ અકબરી, મિતલબેન ફળદુ, અરવિંદ સભાયા, પ્રફુલ્લાબેન જાની, કેતન નાખવા, મેઘનાબેન હરિયા, સહિતનાઓ પોતાની દાવેદારી નોંધાવી દીધી છે, આ પ્રક્રિયા હજુ ચાલી રહી છે.

- હાલના ઘણા કોર્પોરેટરોના પતા કપાવાની બીક

જામનગર મનપામા ગત વખતે ભાજપના 38 ઉમેદવાર કોર્પોરેટર બન્યા હતા બાદમા 10 કોંગ્રેસમાંથી જોડાયા પરંતુ પ્રદેશની જે રીતે વખતો વખત સુચના છે તે માપદંડ જોતા પાર્ટી નવા ચહેરા અને સમાજ કાર્યો માટે એક્ટીવ બહેનોને સ્થાન આપવા માંગે છે માટે કુલ બે વખતના ટર્મના ગાળામાં પદાધીકારીઓ જે જે રહ્યા તેમાં પણ ચિંતા છે કે રિપીટ નહી થઇએ તો? કેમકે અમુકના રિપોર્ટ ઉપર સુધી ગયા છે એ સિવાય જેમને કામ નથી કર્યા લોકોની વચ્ચે નથી રહ્યા તેઓ પણ બાદ થઇ શકે છે જો કે નિરીક્ષકો એક બીજાની વાતો એકબીજા સુત્રો પાસેથી જાણી ખાનગી રિપોર્ટ બનાવામા વધુ રસ દાખવશે એવુ લાગે છે.