પત્ની અને પુત્રીને આઈસ્ક્રીમમાં ઝેરી દવા ભેળવી ખવડાવ્યા બાદ ઓશિકાથી ગળું દબાવી પતિએ જ કરી હત્યા

ચર્ચાસ્પદ બનાવમાં પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો

પત્ની અને પુત્રીને આઈસ્ક્રીમમાં ઝેરી દવા ભેળવી ખવડાવ્યા બાદ ઓશિકાથી ગળું દબાવી પતિએ જ કરી હત્યા

Mysamachar.in-વડોદરા

રાજ્યમાં સબંધોના ખૂનની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં વડોદરાના ન્યૂ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી બનાવમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે, જેમાં પતિએ જ પત્ની અને પુત્રીની ગળુ દબાવી હત્યા કર્યા બાદ ઝેર પીવડાવી દીધું હોવાની ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ પોલીસ તપાસમાં થયો છે. પોલીસ તપાસમાં માતા-પુત્રીની બેવડી હત્યા પતિના અન્ય મહિલા સાથે આડા સબંધ, ઘર જમાઇ તરીકે રહેવાની મજબૂરી તેમજ પત્નીની અજુગતી માગણીઓ જેવાં વિવિધ કારણો જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. સમા પોલીસે પત્ની અને પુત્રીની હત્યા કરીને મોતને ઘાટ ઉતારનાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે આજે વિગતો જાહેર કરતા પોલીસે જણાવ્યું કે આ મામલે પ્રેમ પ્રકરણમાં પતિએ પત્ની અને પુત્રીની હત્યા કરી છે,

હત્યારો પતિ તેજસ પટેલ પ્રેમિકા સાથે રહેવા માંગતો હતો અને આ સમગ્ર ઘટનામાં આરોપી પતિ તેજસ પટેલે હત્યાને આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો પણ તે સફળ ના થયો અને અંતે આ ગુન્હા પરથી પરદો ઊંચકાઈ ગયો છે, વધુમાં એવું પણ સામે આવ્યું છે કે બન્ને પતિ પત્ની વચ્ચે છેલ્લા 6 વર્ષથી ખટરાગ ચાલી રહ્યો હતો, પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તેજશ પટેલ જ્યાં નોકરી કરતો હતો તે જગ્યાએ અન્ય મહિલા સાથે તેને સંબંધ હતો, જે મામલે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને ઘટનાની રાત્રે આઈસ્ક્રીમ લાવી તેમાં ઝેરી દવા મેળવી હતી જે બાદ પત્ની અને પુત્રી નું ઓશીકા દ્વારા ગળું દબાવી હત્યા કરી હોવાનું ખુલવા પામ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના ન્યૂ સમા રોડની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં 36 વર્ષીય શોભનાબેન તેજસભાઇ પટેલ અને તેમની 6 વર્ષની પુત્રી કાવ્યા પટેલ રવિવારે રાત્રે 12 વાગે ગરબા રમીને ઘરે આવ્યાં હતાં. ત્યાર બાદ બંનેની તબિયત બગડતાં પતિ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યાં હતા. માતા-પુત્રીનાં શંકાસ્પદ મોતને પગલે સમા પોલીસ દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અપાયા હતા.

પોલીસ દ્વારા માતા-પુત્રીના રહસ્યમય મોતના બનાવમાં મહિલાના ગળામાં ઇજાના નિશાન હોવાથી આ રહસ્યમય મોતનો ભેદ ઉકેલવા માટે પેનલ પોષ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. વીસેરા પણ લેવામાં આવ્યા હતા. પોષ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટમાં પતિ તેજસ પટેલ દ્વારા પત્ની શોભના અને પુત્રી કાવ્યાનું ગળું દબાવ્યા બાદ ઝેર પીવડાવી દીધું હોવાની વિગતો બહાર આવી હતી. દરમિયાન પોલીસે પત્ની અને પુત્રીની બેવડી હત્યા કરનાર પતિ તેજસ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.