પત્નીના ફેસબુક એકાઉન્ટનો પતિએ આ રીતે કર્યો ઉપયોગ

ત્રણેક મહિલઓને આ રીતે કર્યા મેસેજ

પત્નીના ફેસબુક એકાઉન્ટનો પતિએ આ રીતે કર્યો ઉપયોગ
symbolic image

Mysamachar.in-રાજકોટ

સોશ્યલ મીડીયાના સદુપયોગ કરતા દુરુપયોગના કિસ્સાઓ દિનપ્રતિદિન વધવા લાગ્યા છે, અને શાતીર દિમાગ શખ્સો સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોમનો દુરુપયોગ કરતા થયા છે, એવામાં રાજકોટ શહેરમાં એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સોશિયલ મીડિયાના માધ્યમથી પજવણીના વધુ એક બનાવમાં વિકૃત માનસ ધરાવતા શખ્સે તેની પત્નીના ફેસબુક એકાઉન્ટથી પાડોશમાં રહેતી ત્રણ મહિલાઓને બીભત્સ મેસેજ કરી પજવણી કરતા મામલો સાયબર ક્રાઇમ સેલમાં પહોંચ્યો છે.

શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં જ રહેતા રાકેશ ઉર્ફે મનોજ નામ આપ્યું છે. ફરિયાદ મુજબ, તે મોબાઇલ પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હોય તા.19-4ની રાતે ફેસબુક પર ઓનલાઇન થઇ હતી. ત્યારે પાડોશમાં રહેતી રેખાના એકાઉન્ટ પરથી વીડિયો કોલ આવ્યો હતો. બાદમાં ફેસબુક ફ્રેન્ડ રેખાના એકાઉન્ટથી મેસેન્જરમાંથી મેસેજ આવ્યો કે, હાય, હેલ્લો, તમારી બાજુમાં કોઇ છે નહિ ને. જેથી તેને ના પાડી રિપ્લાય આપ્યો હતો. નાનો જવાબ આપતાની સાથે જ બીભત્સ શબ્દોવાળા મેસેજ મોકલતા તમે કોણ તેવું પૂછતા હું રાકેશ છુંનું કહ્યું હતું.

બીભત્સ મેસેજ અંગે પતિને વાત કરતા રાકેશને અમે ફરિયાદ કરવાના છીએ તેવું કહેતા મેસેજ બંધ થઇ ગયા હતા. દરમિયાન બીજે દિવસે તપાસ કરતા પોતાની દેરાણી અને એક અન્ય મહિલાને પણ આવા જ મેસેજ તેમજ વીડિયો કોલ રેખાના એકાઉન્ટમાંથી આવ્યાની જાણ થઇ હતી. જેથી પાડોશમાં રહેતી રેખા અને તેના પતિ રાકેશને તમે કેમ આવા મેસેજ કરો છો તેમ કહેતા અમારું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાની વાત કરી હતી. અંતે સાયબર સેલમાં આ મુદ્દે અરજી કરી હતી. અરજીને પગલે સાયબર સેલના સ્ટાફે તપાસ શરૂ કરતા રાકેશ ઉર્ફે મનોજના મોબાઇલ નંબર પરથી જ ત્રણેય મહિલાને મેસેન્જરના માધ્યમથી બીભત્સ મેસેજ કરી પજવણી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તુરંત રાકેશ ઉર્ફે મનોજને દબોચી લઇ ધરપકડ કરી શાન ઠેકાણે લાવી છે.