Mysamachar.in-ગાંધીનગર
ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાનો દાવો તો ખૂબ કરવામાં આવતો હોય છે. પરંતુ આવો દાવો કેટલો સત્ય તે રાજ્ય સરકારના સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડાના રેકોર્ડે સાચું ચિત્ર સ્પષ્ટ કર્યું છે. જેમાં રાજ્યમાં મહિલાઓ પર થતાં અત્યાચારોના કેસોની સંખ્યા બહુ ચોંકાવનારી છે. ગુજરાતમાં મહિલાઓ પર થતાં અત્યાચારોના આંકડા અનુસાર 2014 થી અત્યારસુધીમાં મહિલાઓની થતી છેડતી કે સતામણીમાં સરેરાશ વર્ષે 1400 કિસ્સાઓ સામે આવે છે. જ્યારે છેલ્લાં 2 વર્ષમાં દુષ્કર્મ કે બળાત્કારના 4,000 થી પણ વધુ બનાવો નોંધાઈ ચૂક્યા છે. રાજ્યમાં 2014 પછી થી રોજ મહિલાઓ પર દુષ્કર્મની સરેરાશ 1 અને સતામણીની સરેરાશ 3 ઘટનાઓ નોંધાય છે.
માર્ચ, 2020માં ગુજરાત સરકારે આપેલી આંકડાકીય વિગતો અનુસાર ગત બે વર્ષમાં રાજ્યમાં બળાત્કારની 2,723 ઘટનાઓ નોંધાણી હતી. જેમાંની 41 સામૂહિક દુષ્કર્મની ઘટનાઓ હતી. કેન્દ્ર સરકારે લોકસભામાં આ અંગે આપેલાં આંકડા અનુસાર 20 સપ્ટેમ્બરની સ્થિતિએ ગુજરાતમાં મહિલાઓ પર થતાં અત્યાચારોના 81,138 કેસોની કાર્યવાહી જ અધૂરી છે. તેમજ પોસ્કો એક્ટ હેઠળ નોંધાયેલા કેસોમાં 6,947 કેસો પેન્ડિંગ છે. આ ઉપરાંત ગુજરાતમાં યુવતી અને સગીરાના હ્યુમન ટ્રાફિકિંગની ઘટના પણ સામે આવતી હોય છે.આ પૂરેપૂરી આંકડાકીય વિગતો પરથી રાજ્યમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે. તેનો ચિતાર સ્પષ્ટ થાય છે.