હાલારના બન્ને જિલ્લાઓમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ વાંચો

ના માત્ર બે ચાર લાઈન પરંતુ વિસ્તારથી અને સચોટ સમાચાર મેળવવા માટે આજે mysamachar.in ફેસબુક પેજને ફોલો કરો

હાલારના બન્ને જિલ્લાઓમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ વાંચો

Mysamachar.in-જામનગર, દેવભૂમિ દ્વારકા

છેલ્લા બે દિવસથી જામનગર અને દેવભૂમિ દ્વારકા એટલે કે હાલાર સહીત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી સીસ્ટમ સક્રિય થયાનો અને હવામાન વિભાગની આગાહી સાચી ઠરી રહી હોય તેમ વરસાદ વરસી રહ્યો છે, એવામાં ગઈકાલે પણ જામનગર અને દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો સૌપ્રથમ વાત દેવભૂમિ દ્વારકા જીલ્લાની કરવામાં આવે તો જિલ્લામાં મેઘરાજાના લાંબા વિરામ બાદ શનિવારથી પુનઃમેઘાના મંડાણ થયા છે. શનિવારે આખો દિવસ મેઘાવી માહોલ રહ્યા બાદ જુદા-જુદા વિસ્તારોમાં વરસેલા છૂટા છવાયા ઝાપટા બાદ ગઈકાલે રવિવારે જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં એકથી બે ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો છે.

હવામાન ખાતાની આગાહી મુજબ શનિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ગઈકાલે રવિવારે આખો દિવસ સમગ્ર જિલ્લામાં મેઘરાજાનો મુકામ રહ્યો હતો. ખંભાળિયા તાલુકામાં અસહ્ય ઉકળાટ અને બફારા જેવા માહોલ વચ્ચે દિવસ દરમિયાન માત્ર બપોરના સમયે હળવા છાંટા વરસ્યા બાદ ગતરાત્રીના ચારેક વાગ્યે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે સરકારી ચોપડે 23 મીમી નોંધાયો છે. આજે સવારે આઠ વાગે પુરા થતાં 24 કલાકના સમયગાળામાં ખંભાળિયા તાલુકામાં 24 મીમી વરસાદ નોંધાયો છે.

આ વચ્ચે ગઈકાલે દિવસ દરમિયાન સૌથી વધુ ભાણવડ પંથકમાં મેઘ મહેર વરસી હતી. ભાણવડ તાલુકામાં ગઈકાલે બપોરે 2 થી 4 દરમિયાન એક ઈંચ તથા આજે વહેલી સવારે વધુ અડધો ઈંચ મળી, 24 કલાક દરમિયાન કુલ 49 મીમી વરસાદ વરસી ગયો હતો. આ જ રીતે દ્વારકા તાલુકામાં 34 મીલીમીટર અને કલ્યાણપુર તાલુકામાં 32 મીમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ જામનગર જીલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં એટલે ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં જામજોધપુર શહેરમાં 1 ઇંચ, જોડિયા અને ધ્રોલમાં અડધો અડધો ઇંચ, લાલપુર શહેરમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો છે, તો જીલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વરસેલા વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો...

જોડિયા તાલુકાના પીઠડ ગામે 2 ઇંચ ધ્રોલ તાલુકાના લતીપુરમાં 1 ઇંચ, કાલાવડ તાલુકાના ખરેડી અને મોટા પાંચ દેવડા ગામે એક એક ઇંચ, જામજોધપુર તાલુકાના ધુનડામાં પોણા બે ઇંચ, ધ્રાફામાં 3 ઇંચ, જયારે લાલપુર તાલુકાના પીપરટોળા ગામે 1 ઇંચ, પડાણામાં સવા ઇંચ, ભણગોરમાં અઢી ઇંચ, મોડપરમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે.