દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં કયા પ્રકારના કેટલા ખેડત ખાતેદારો નોંધાયેલ છે. વિધાનસભામાં આ મળ્યો જવાબ

સીમાંત ખેડૂતો કેટલા.?

દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં કયા પ્રકારના કેટલા ખેડત ખાતેદારો નોંધાયેલ છે. વિધાનસભામાં આ મળ્યો જવાબ
symbolic image

Mysamachar.in-ગાંધીનગર

દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લામાં જિલ્લાવાર કયા પ્રકારના કેટલા ખેડુત ખાતેદારો નોંધાયેલા છે તેમજ છેલ્લી એગ્રી સેન્સસની સરખામણીએ ખેડુત ખાતેદારોની જો કોઈ ઘટ થયેલ હોય તો તે સબંધમાં ચાલુ વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નો ઉઠાવી ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા જાણવા માંગેલ હતું કે, તા.31/12/2020ની સ્થિતિએ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં જિલ્લાવાર કયા પ્રકારના કેટલા ખેડુત ખાતેદારો નોંધાયેલ છે? આ પૈકી ઉકત સ્થિતિએ છેલ્લી એગ્રી સેન્સસ મુજબ કયા પ્રકારના કેટલા ખાતેદારોની વધઘટ થયેલ છે ?

અને છેલ્લી એગ્રી સેન્સસની સરખામણીએ ઉકત જિલ્લાવાર ખેડુતોની ઘટ થઈ હોય, તો તેના મુખ્ય કારણો શા છે ? ધારાસભ્યના પ્રશ્નોનાં જવાબમાં સરકારમાં કૃષિ સબંધેની બાબતનો હવાલો સંભાળતા કૃષિમંત્રીએ વિધાનસભામાં પ્રશ્નોનાં જવાબમાં જણાવવામાં આવેલ છે કે, ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં દર પાંચ વર્ષે યોજવામાં આવતી ખેતી વિષયક ગણના (એગ્રી સેન્સસ) ના વર્ષ 2015-16ની ગણતરી મુજબ નોંધાયેલ ખેડુત ખાતેદારો પ્રકારવાર નીચે દર્શાવ્યા મુજબ છે.

- ખેડૂત ખાતેદારોની સંખ્યા 
- સીમાંત : દેવભૂમિ દ્વારકા 17,871 પોરબંદર 19,786 
- નાના : દેવભૂમિ દ્વારકા 35,488 પોરબંદર 27,485
- અર્ધ મધ્યમ : દેવભૂમિ દ્વારકા 30,338 પોરબંદર 16,054
- મધ્યમ : દેવભૂમિ દ્વારકા 12,892 પોરબંદર 6,027
- મોટા : દેવભૂમિ દ્વારકા 807 પોરબંદર 346
- કુલ : દેવભૂમિ દ્વારકા 97,396 પોરબંદર 69,698

દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના વર્ષ 2013માં જામનગર જિલ્લામાંથી થયેલ હોવાથી, એગ્રી સેન્સસ 2010-11માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાતેદાર ખેડુતોની સંખ્યા ઉપલબ્ધ નથી. આથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના એગ્રી સેન્સસ 2015-16માં નોંધાયેલ ખાતેદાર ખેડુતોની સરખામણી એગ્રી સેન્સસ વર્ષ 2010-11નાં આંકડા સાથે કરવી શકય નથી. આથી દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે ખાતેદાર ખેડુતોમાં થયેલ વધ કે ઘટ નોંધવા અંગે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી,

પોરબંદર જિલ્લામાં એગ્રી સેન્સસ 2010-11ની સરખામણી એ એગ્રી સેન્સસ 2015-16માં સીમાંત ખાતેદાર ખેડુતોની સંખ્યામાં 3222 નો વધારો, નાના ખાતેદાર ખેડુતોની સંખ્યામાં 3251 નો વધારો, અર્ધ મધ્યમ ખાતેદાર ખેડુતોની સંખ્યામાં 1283નો વધારો, મધ્યમ ખાતેદાર ખેડૂતોની સંખ્યામાં 128નો ઘટાડો અને મોટા ખાતેદાર ખેડૂતોની સંખ્યામાં 85નો ઘટાડો નોંધાયેલ છે. એમ તમામ પ્રકારના કુલ ખાતેદાર ખેડૂતોની સંખ્યામાં 7,543નો વધારો નોંધાયેલ છે. આમ, છેલ્લી એગ્રી સેન્સસની સરખામણી એ જિલ્લાવાર ખેડતોની ઘટ થયેલ નહીં હોવાથી આવો કોઈ ''પ્રશ્ન ઉપસ્થિત થતો નથી."