રાજ્યમાં હજુ કેટલા દિવસ રહેશે બદલાયેલું વાતાવરણ, કેવી છે માવઠાની આગાહી વાંચો 

ખેડૂતોને પોતાની જણસ સુરક્ષિત સ્થળે ખસેડી લેવાની સૂચના આપવામાં આવી છે. 

રાજ્યમાં હજુ કેટલા દિવસ રહેશે બદલાયેલું વાતાવરણ, કેવી છે માવઠાની આગાહી વાંચો 
file image

Mysamachar.in-અમદાવાદ:

છેલ્લા બે દિવસથી હવામાન વિભાગની પૂર્વ આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં પલટા સાથે કેટલાય તાલુકમાં ઝાપટા તો ક્યાંક નોંધપાત્ર વરસાદ પણ પડ્યો છે, અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે આગામી બે દિવસ હજુ પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા છે. હવામાન વિભાગે ભરશિયાળામાં વરસાદની આગાહી કરી છે. જે પ્રમાણે, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, આણંદ, ભરૂચ, સુરત, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં વરસાદની આગાહી છે. જેના કારણે ખેડૂતોની મુંજવણમાં મુકાયા છે,  ગુરૂવારે રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચ જ્યારે 30 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ સાથે કમોસમી વરસાદ સાથે ઠંડીનું જોર પણ ધીરે ધીરે વધી રહ્યુ છે.અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરેબિયન સમુદ્ર તરફ આગળ વધી રહી છે. જેથી આગામી 24 કલાક દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.

વરસાદના કારણે અનેક શહેરોમાં ધીરે ધીરે ઠંડીનું જોર પણ વધી રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 20 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. માવઠાથી શિયાળુ પાકને નુકસાનની ભીતિ રહેલી છે. જ્યારે તૈયાર પાક પણ માર્કેટ યાર્ડોમાં પલળી રહ્યો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હજુ બે દિવસ રહેશે. જેના પગલે આજે સુરત, નવસારી, વલસાડ, વડોદરા, ભરૂચ, કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં જ્યારે શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરુચ, સુરત, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છેતો બીજી તરફ કમોસમી વરસાદને લીધે ખેડૂતોને કપાસ, ઘઉં, રાયડો, મકાઇ, તુવેર જેવા પાકમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તો મિશ્ર ઋતુને કારણે રોગચાળામાં પણ વધારો થશે તેવી ભીતિ જાણકારો વ્યક્ત કરે છે.