ન.પ્રા.શી.સમિતિના શિક્ષકો અને કર્મચારીઓએ અડધા કરોડનો વેડફાટ કર્યાનું કઈ રીતે આવ્યું સામે

પ્રવાસની ઓરીજનલ ટીકીટો રજૂ કરવામાં આવી નથી

ન.પ્રા.શી.સમિતિના શિક્ષકો અને કર્મચારીઓએ અડધા કરોડનો વેડફાટ કર્યાનું કઈ રીતે આવ્યું સામે

mysamachar.in-જામનગર:

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ફરજ બજાવતા ક્લાર્કથી માંડીને શિક્ષકોએ નિયમોને નેવે મૂકીને મુસાફરી ભથ્થાનો લાભ છેલ્લા ત્રણ વર્ષમાં લીધેલ હોવાથી હવે આ મુસાફરી ભથ્થાની  ૪૬ લાખ ઉપરની રકમ રિકવરી કરવા માટે લોકલ ફંડના પ્રાથમિક રિપોર્ટમાં ખૂલતાં ૪૬ લાખ પરત જમા કરવાના આદેશો છૂટ્યા છે.

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું લોકલ ફંડ દ્વારા ઓડિટ કરવામાં આવતા વર્ષ ૨૦૧૪/૧૫ થી ૨૦૧૬/૧૭ દરમ્યાન ખાસ કરીને એલ.ટી.સી પ્રવાસમાં મોટાપાયે ગોટાળા ખૂલ્યા છે જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ક્લાર્ક તેમજ શિક્ષકો મળીને કુલ ૩૬૯ જેટલા કર્મચારીઓએ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વગર મુસાફરી કરવા જતાં રહીને મુસાફરી ભથ્થાના નામે ૪૬ લાખ ઉપરની રકમ મેળવી લીધી હોવાનું ઓડિટ રિપોર્ટના પ્રાથમિક વાંધા નં ૬૦ માં ખૂલતાં લોકલ ફંડએ આ રકમ વાંધા હેઠળ મૂકી દીધી છે,અત્રે ઉલ્લેખનીય છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ક્લાર્કથી માંડીને શિક્ષકો દ્વારા પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર છોડીને નિયમોનો ભંગ કર્યો છે, પ્રવાસની ઓરીજનલ ટીકીટો રજૂ કરવામાં આવી નથી બે કરતાં વધુ બાળકોવાળા એક શિક્ષકે પણ ગેરકાયદેસર લાભ લીધો છે, મુસાફરી ભથ્થા ઉપરાંત લોંજિંગના પણ પૈસા મેળવવામાં આવ્યા હોવાનો ઓડિટમાં ગંભીર પ્રાથમિક વાંધાઓ સામે  આવ્યા છે,

ઓડિટ રિપોર્ટના પ્રાથમિક અહેવાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારી,શિક્ષકો દ્વારા નિયમ વિરુદ્ધ લીધેલ મુસાફરી ભથ્થાની રકમ રિકવરી કરવાનું જણાવીને ૪૬ લાખની રકમ વાંધા હેઠળ મૂકી દેતા હવે આ નાણાં પાછા આપવા પડે તેવો ઘાટ ઘડાતા જેને પ્રવાસો કરીને જલસા કર્યા છે તેવા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે,

ત્યારે ઓડિટ રિપોર્ટના આધારે શાસનાધિકારીએ સી.એલ.મહેતાએ પણ પ્રવાસ ભથ્થાની રકમ કચેરીમાં જમા કરાવવા માટે ગત તા.૭/૯/૨૦૧૮ના રોજ તમામ શાળાઓના આચાર્યોને આદેશ કરવામાં આવ્યો છે.