જામનગરનો યુવાન નોકરીની લાલચમાં કઇ રીતે બન્યો છેતરપિંડીનો ભોગ

ચેતવણીરૂપ છે આ કિસ્સો

જામનગરનો યુવાન નોકરીની લાલચમાં કઇ રીતે બન્યો છેતરપિંડીનો ભોગ

mysamachar.in-અમદાવાદ:

સરકારના યુવાનોની રોજગારી આપવાને લઈને મસમોટા દાવાઓ વચ્ચે એક ભેજાબાજ શખ્શ નોકરીવાચ્છુક યુવાનોની દુઃખતી રગ દબાવીને જામનગર સહિત ૨૦૦ જેટલા શિક્ષિત બેરોજગાર યુવાનોને વિદેશમાં નોકરી અપાવી દેવાની લાલચ આપીને બેરોજગાર યુવકો પાસેથી ૨૦ લાખ જેવી રકમ મેળવી લઈને છેતરપિંડી આચારનાર શખ્શને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેતા છેતરપિંડીનો આ મામલો સામે આવ્યો છે,

અમદાવાદના બહુનામ ધારી શખ્શ વિક્રમ ઉર્ફે રાહુલ રોહિત અજીતકુમાર ટેલર નામનો ભેજાબાજ શખ્શએ વિદેશમાં હોટલ તથા મોલમાં બેથી અઢી લાખ પગારની નોકરીની અખબારોમાં જીલ્લા વાઇઝ જાહેરાત પ્રસિદ્ધ કરાવતો હતો અને જાહેરાત વાંચી તેનો સંપર્ક કરનાર યુવાનોનું બ્રેઇનવોશ કરવા માટે પોતે સારી સ્પીચ આપીને નોકરીની સ્કીમ,રહેવાની સુવિધાની લાલચ આપતો હતો,ત્યારબાદ ભેજાબાજ શખ્શ વિશ્વાસમાં આવી ગયેલા યુવાનો પાસેથી આધાર કાર્ડ સહિત જરૂરી ડૉક્યુમેન્ટ મંગાવી અને બેન્ક ખાતામાં ૩.૫૦ લાખની એન્ટ્રી પડાવવાની વાત કરીને એટીએમ કાર્ડ મંગાવી લેતો હતો,

આ રીતે તેણે વિદેશમાં નોકરી અપાવી દેવાની લાલચ આપીને ગુજરાતનાં જામનગરના રિતેષ પટેલ સહિત પંજાબ,મહારાષ્ટ્ર રાજસ્થાનના ૨૦૦ જેટલા બેરોજગાર યુવાનો સાથે છેતરપિંડી કરીને ૨૦ લાખની રકમ મેળવી લીધી હોવાની ચોકાવનારી કબૂલાત પોલીસને આપી છે પોલીસે આ ચીટર શખ્શની પૂછપરછ હાથ ધરીને ૨૦૦થી વધારે યુવાનો ભોગ બન્યા હોય તેવી આશંકાને આધારે વધુ તપાસ હાથ ધરી છે,

યુવાનોના એટીએમ કાર્ડથી પૈસાનું ટ્રાન્જેક્શન કરતો હતો... 

અમદાવાદનો આ ભેજાબાજ શખ્શ ભોગ બનનાર શિક્ષિત બેરોજગાર યુવાનોના એટીએમ કાર્ડ બે માસ સુધી ઉપયોગ કરી પૈસાનું ટ્રાન્જેક્શન કરતો હતો જેમાં જામનગારના રિતેષ પટેલ સહિત રાજકોટ,સુરત,ભુજ,ભાવનગર,જલંધર(પંજાબ),વાપીના યુવાનોના અલગ અલગ બેન્કના એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યાનું પણ પોલીસની તપાસમાં સામે આવ્યું છે. 

લોભામણી જાહેરાતોથી યુવાનો રહે સાવચેત...

નોકરીવાચ્છુક શિક્ષિત બેરોજગાર યુવાનોને પોતાની ઝાળમાં ફસાવવા માટે અમદાવાદનો આ ઠગ બુદ્ધિપૂર્વક ગુજરાતના વિવિધ અખબારોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવાના તગડા પૈસા ચૂકવતો હતો અને  જાહેરાતના માધ્યમથી સહેલાઇથી બેરોજગાર યુવાનો તેની છેતરપિંડીનો ભોગ બની જતાં હોય આ કીમિયો અજમાવીને વગર કમાણીએ ૨૦ લાખ મેળવી લીધાનું બહાર આવ્યું છે,ત્યારે ગુજરાતનાં શિક્ષિત બેરોજગાર યુવાનો જાહેરાતની પૂરતી ખરાઈ કરીને જો નોકરી મેળવે તો છેતરપિંડીનો ભોગ બનતા બચી શકશે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.