ધારાસભ્યની કારે સર્જ્યો હિટ એન્ડ રન, એક વ્યક્તિનું મોત

સીસીટીવી બહાર આવ્યા

ધારાસભ્યની કારે સર્જ્યો હિટ એન્ડ રન, એક વ્યક્તિનું મોત

Mysamachar.in-અમદાવાદઃ

મેટ્રોસિટી અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે, જો કે આ વખતે કોંગ્રેસના ધારાસભ્યની કારે અકસ્માત સર્જ્યો છે. મેમનગર વિસ્તારમાં ધારાસભ્યની ઇનોવા કારે જ્યુપીટર સ્કૂટરને ટક્કર મારી હતી, જેમાં સ્કૂટર ચાલકનું મોત નિપજતા મામલો હિટ એન્ડ રનનો બન્યો હતો. તો સ્થાનિકોનું કહેવું છે કે ઇનોવા કાર ધારાસભ્ય શૈલેષ પરમારનો ડ્રાઇવર ચલાવી રહ્યો હતો. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. સોલા રોડ પર  સ્વાગત સોસાયટીમાં રહેતા 47 વર્ષિય પ્રફુલ્લ પટેલ સાંજે પુત્રને ટ્યૂશનમાંથી લેવા ગયા હતા, આ દરમિયાન મેમનગર ગામ પાસે સુભાષ ચોકથી એઇસી તરફ જતા રસ્તે ઇનોવા કારે પ્રફુલ્લભાઇના જ્યુપીટર વાહનને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી પ્રફુલ્લભાઇનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો અકસ્માત સર્જી ઇનોવા ચાલક ફરાર થઇ ગયો હતો. 

ઘટનાની જાણ થતા જ લોકોનું ટોળું અને ટ્રાફિક પોલીસ દોડી આવી હતી, તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જેમાં દેખાઇ રહ્યું છે કે સફેદ કલરની ઇનોવા કાર પૂરપાટ ઝડપે ધસી આવી જે દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનો ડ્રાઇવર ચલાવી રહ્યો હતો. બાદમાં જ્યારે ન્યૂઝપેપર દ્વારા શૈલેષ પરમારનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેઓએ પણ સ્વીકાર્યું મારો ડ્રાઇવર કાર લઇને નીકળ્યો ત્યારે આ બનાવ બન્યો હતો, મને આ વાતનું ખુબ દુઃખ છે. તો સ્થાનિકોએ આક્રોસ વ્યક્ત કરતાં જણાવ્યું કે નવા બનેલા વિશાળ રોડ પર સ્પીડ બ્રેકર મૂકવાની અમોએ માગણી કરી હતી, તેમ છતા કોઇ પગલા લેવામાં ન આવ્યા, જેના કારણે આ અકસ્માત સર્જાયો છે.