પેપરલીક કાંડની હિસ્ટ્રી છે જાણવા જેવી..

મુખ્ય સૂત્રધાર નથી આવ્યો હાથમાં

પેપરલીક કાંડની હિસ્ટ્રી છે જાણવા જેવી..

Mysamachar.in-ગાંધીનગર:

રાજયમાં ચકચાર જગાવનાર લોકરક્ષક દળની પરીક્ષામાં પેપર લીક થવાનો મામલો ૯ લાખ જેટલા શિક્ષિત બેરોજગાર યુવાનો જ્યારે પેપર આપતા સમયે જ સામે આવતા સમગ્ર ગુજરાતમાં નિરાશા ના વાતાવરણ વચ્ચે ભારે હોબાળો મચી ગયો હતો અને સોશ્યલ મીડિયામાં સરકારને ગાળો ખાવાનો વારો આવ્યો હતો,એવામાં સરકારને પગ તળે રેલો આવતા ૨૪ કલાક જેટલા સમયમાજ પેપરલીકના મૂળ સુધી પહોચવામાં સરકારને મહદંશે સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે,

સરકારમાંથી તપાસના આદેશો છૂટતા ગાંધીનગર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરીને ગઇકાલે સાંજે જ ગુન્હો નોંધવામાં આવ્યો હતો,જે બાદ પેપરલીક કાંડમાં સંડોવાયેલા મનહર પટેલ જે બાયડ તાલુકાનો ભાજપનો કાર્યકર્તા હોવાનું તો મુકેશ ચૌધરી પણ વડગામ તાલુકા ભાજપનો તાલુકા પંચાયત ડેલીગેટ,ગાંધીનગર વાયરલેસ PSI પી. વી. પટેલ અને ગાંધીનગર હોસ્ટેલમાં રેક્ટર તરીકેનું કામ કરતી રૂપલ શર્માની ધરપકડ કરીને પોલીસે આજે મીડિયા સમક્ષ વિગતો જાહેર કરી હતી,

આ પેપરલીક પ્રકરણ મામલે ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યુ હતું કે, રવિવારે લોકરક્ષક દળની ભરતી કરવા માટેની પરીક્ષા હતી જેનું પેપર લીક થવાની માહિતી સમિતિના ચેરમેન વિકાસ સહાયને મળતા ગાંધીનગર પોલીસ અને સમિતિના અધિકારીઓ દ્વારા સંયુક્ત તપાસ ચાલુ કરવામાં આવી હતી. જેથી પ્રામાણિક ઉમેદવારોને ન્યાય મળે અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે વિકાસ સહાયએ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો,

આ મામલા પર પોલીસ દ્વારા વધુ પ્રકાશ પાડીને જણાવ્યુ હતું કે, યશપાલસિંહ સોલંકીએ પેપર જયેશ પટેલને આપ્યું હતું અને જયેશ પટેલ પેપર લઇને મનહર પટેલને આપવા આવ્યો હતો.યશપાલસિંહ સોલંકી 29 નવેમ્બરની રાત્રે દિલ્હી ગયો હતો અને વિમાનમાં પાછો આવ્યો હતો અને તેણે પેપર પહોંચાડ્યુ હતું.

આ ટોળકી દ્વારા ઉમેદવારો પાસેથી એવી ગોઠવણ થઈ હતી કે, પહેલા 1 લાખ અને પાસ થયા પછી પૈસા આપવાનું નક્કી થયું હોવાનો અંદાજ છે અને પોલીસ આ લોકોના તમામ રેકોર્ડ ચેક કરી મીડિયા સમક્ષ મુકેશ અને રૂપલ શર્મા જે  હોસ્ટેલમાં કામ કરતી ત્યાં આ લોકો ભેગા થયા અને 8 થી 10 છોકરાઓ પેપર જોવામાં આવ્યા હતા તેવું જણાવ્યુ હતું,

વધુમાં આ પેપરલીક કાંડનો સૂત્રધાર યશપાલસિંહ સોલંકીને ઝડપી લેવા માટે તપાસના ચક્રો પોલીસે ગતિમાન કર્યા હોય અને તેનું લોકેશન પણ મળી ગયું હોવાનું જાણવા મળે છે ત્યારે આ શખ્સ પકડાયા બાદ પેપરલીક કાંડનો વધુ ખુલાસો થશે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.