Mysamachar.in-અમદાવાદ
દારૂની હેરાફેરી કરનાર શખ્સો કોઈ ને કોઈ રીતે દારૂની હેરાફેરી કરવાના તુક્કાઓ શોધી જ લેતા હોય છે, એવામાં આજે અમદાવાદ નજીક હાઈવે પરથી છોતાહાથીમાં ચોરખાનામાં છુપાવેલ ઈંગ્લીશ દારૂની બોટલો પોલીસે ઝડપી પાડી છે, મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફ દ્વારા બાતમીના આધારે સરખેજ-ગાંધીનગર હાઇવે પર જતી એક સફેદ કલરના છોટા હાથીના ગુપ્ત ખાનામાં સંતાડી રખાયેલો વિદેશી દારૂ ઝડપાયો હતો. વૈષ્ણોદેવી સર્કલથી ત્રાગડ તરફ જઇ રહેલા આ છોટા હાથીને ઝડપી લેવામાં આવ્યું હતું. જેની તપાસ કરતા ગુપ્ત ખાનામાંથી 215 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
ઉદેપુરના ધરોદ ગામના ડ્રાઇવર રઘુવીરસીંગ ભવાનસિંગ અને ક્લીનર ગજેન્દ્રસિહને ઝડપી પુછપરછ આદરવામાં આવી હતી. ઝડપાયેલ શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં તે દેત્રોજ રોડ પરથી તેઓ દારૂ ભરીને ડીલીવીર કરતા હતા. આજનો દારૂ ચિલોડા લઇ જવાનો હતો.દારૂની આ હેરાફેરી બદલ તેમને એક ફેરાના 2 હજાર રૂપિયા અપાતા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે 2.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંન્ને આરોપીઓની ધરપકડ કરીને તપાસ આદરી છે.