હે શ્રી રામ....હવે તમે જ આ મહામારીનો અંત લાવી સૌને સ્વસ્થ કરો...

કોવીડ સેન્ટરમાં આજે રામનવમી નિમિતે સૌ દર્દીઓએ પણ કર્યા દર્શન

હે શ્રી રામ....હવે તમે જ આ મહામારીનો અંત લાવી સૌને સ્વસ્થ કરો...

Mysamachar.in-મોરબી

લગભગ એકેય ઘર એવા બાકી નથી રહ્યા કે જ્યાં કોરોના વાયરસનો ચેપ પહોચ્યો ના હોય...ત્યારે આ મહામારી વચ્ચે પણ ભક્તોની આસ્થા ભગવાન પર એટલી જ છે.. આજે રામનવમીનો પાવન દિવસ છે, ત્યારે મોરબીમાં રઘુવંશી સમાજ દ્વારા લોહાણા વિધાર્થી ભવન ખાતે લોહાણા સમાજના કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવા માટે કોવિડ કેર સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોવિડના દર્દીઓને સઘન સારવાર આપવાની સાથે દર્દીઓના મનમાંથી કોરોનાનો ભય દૂર કરવાના સકારાત્મક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે,

આજે કોવિડ કેર સેન્ટરમાં રામનવમીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દર્દીઓ ભક્તિમય બનીને પ્રભુની પ્રાર્થનાથી ઝડપથી સાજા થાય તે માટે સ્ટાફ દ્વારા ભગવાન શ્રી રામની મૂર્તિને થાળમાં બિરાજમાન કરી દીપ પ્રગટાવીને આરતી કરવામાં આવી હતી. બાદમાં પ્રભુ શ્રીરામની મૂર્તિ સાથેનો થાળ કોવિડ દર્દીઓ સમક્ષ ફેરવવામાં આવ્યો હતો અને દરેક દર્દીઓ પ્રભુ શ્રીરામના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમજ પોતે અને સૌ કોઈ કોરોના મહામારીમાંથી ઝડપભેર સંપૂર્ણ સ્વસ્થ થાય અને ભગવાન શ્રી રામ સૌને પોતાના આશિર્વાદ પ્રદાન કરી અને આ મહામારીનો ખાત્મો બોલાવે તેવી પ્રાર્થના કરી હતી...