અતિ વ્યસ્ત હાઇવે પર લોકોનો ચક્કાજામ, 8 કિમી સુધી વાહનો ફસાયા

આ તરફ જનારાઓ ખાસ વાંચે

અતિ વ્યસ્ત હાઇવે પર લોકોનો ચક્કાજામ, 8 કિમી સુધી વાહનો ફસાયા

Mysamachar.in-રાજકોટઃ 

છેલ્લા કેટલાક સમયથી હાઇવે પર ઈ મેમાનો વિરોધ કરનારા વેપારીઓ, કારીગરો અને સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. રોષે ભરાયેલા લોકોએ અમદાવાદ-રાજકોટ હાઇવે પર નવાગામ પાસે ચક્કાજામ કર્યો છે. પોલીસે વિરોધ કરી રહેલા 15 લોકોની અટકાયત કરી છે. વારંવાર ઇ-મેમો આવતો હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક કારીગરોનો આક્ષેપ છે કે, અમે રોજ 500 રૂપિયા કમાઇએ છીએ અને 1500 રૂપિયા મેમો આવે છે.લોકોનો આક્ષેપ છે કે સર્વિસ રોડ ન અપાયો હોવાથી મજૂરોને રોંગ સાઈડમાં જવું પડે છે. રોંગ સાઈડમાં જવાને કારણે 1500 રૂપિયાનો મેમો આવે છે. મેમો રદ કરવાની માંગ સાથે મજૂરો, ફ્રૂટના વેપારીઓ અને સ્થાનિક લોકોએ આજે હોબાળો મચાવ્યો હતો.

સ્થાનિક વાહન ચાલકે પોતાની મુશ્કેલી વર્ણવતા જણાવ્યું કે, 'અમારે માત્ર 25 મીટર જવાનું હોય છે તેમાં અમારે ચાર કિમીનો રાઉન્ડ મારવો પડે છે. અમારી માંગ એવી છે કે અહીં ડિવાઇડર ખુલ્લો કરવામાં આવે અથવા અમને સર્વિસ રોડ આપે તો અમારે જવામાં મુશ્કેલી નહીં પડે. રોજ અમને 1500થી 2000 રૂપિયાનો મેમો આવે છે. મારો 9 હાજાર તો પગાર છે. તો મારે કઇ રીતે આટલો મોટો દંડ ભરવો.' તો બીજી બાજુ મોટી સંખ્યામાં હાઇવે પર લોકોના ચક્કાજામથી આઠ કિમી સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ છે. ખાસ કરીને રાજકોટથી અમદાવાદ જતા લોકો આ ટ્રાફિકમાં ફસાયા છે. આ ટ્રાફિક ક્લિયર થવામાં અંદાજે એક કલાકનો સમય લાગી શકે છે.