ગરમીનો પારો ઊંચકાયો, 10 જીલ્લામાં હીટવેવની આગાહી 

અમદાવાદમાં રેડ તો સૌરાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં યેલો એલર્ટ 

ગરમીનો પારો ઊંચકાયો, 10 જીલ્લામાં હીટવેવની આગાહી 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-

ગુજરાતમાં કાળઝાળ  ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં  આજે અને આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. ગુરૂવારે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં સરેરાશ મહત્તમ તાપમાન 46 ડિગ્રી નોંધાયું હતું. સતત બીજા દિવસે બપોરના સમયે ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ઉતરી પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં વધારો નોંધાતા રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આ સાથે કચ્છ, રાજકોટ, ભાવનગરમાં હિટવેવ જ્યારે સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

વધતી ગરમીને કારણે  ડિહાઇડ્રેશન, ઝાડા-ઉલ્ટી, ચક્કર આવવાથી પડી જવાના કેસમાં પણ વધારો જોવા મળ્યો હતો. ગુરૂવારે, ગ્રીન સિટી ગાંધીનગરમાં 46 ડિગ્રી નોંધાયો હતો. હવામાનની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસ ગાંધીનગરમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઇ શકે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, વડોદરા, ડીસા, પાટણમાં તાપમાન 43 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. રાજકોટમાં 44.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો.

આ સાથે હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી બે દિવસ ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ રહેશે.તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લોકોએ ખાસ કરીને બપોરે કે જ્યારે સૌથી વધારે ગરમીની અસર જોવા મળતી હોય છે તેવા સમયે ઘરની બહાર નીકળવું ન જોઇએ.