Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા તેના અણધડ આયોજનો અને કામો માટે જાણીતી છે, આવક છે નહિ ને ખર્ચ કર્યે જ જવું છે, અને આવું એક વાર નહિ પરંતુ વારંવાર સ્ટે.કમિટીની બેઠક બાદ સામે આવતા મંજુર થયેલ ખર્ચની અમુક વિગતોમાં જોવા મળે છે, તાજેતરમાં જ મનપાની સ્ટે.કમિટીની બેઠક મળી તેમાં સ્ટોર્સ શાખા દ્વારા ગાર્ડન શાખાના સ્પેશીફીકેશન મુજબના રાઉન્ડ ટ્રી ગાર્ડ ખરીદ કરવા અંગે સને 2022/ 23નો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ મંજુર કરવાની દરખાસ્ત આવી હતી જે 600 નંગ ટ્રી-ગાર્ડ ખરીદીનું ખર્ચ 6.81 લાખ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર પણ કરી દેવામાં આવ્યું છે.
અહી મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય મહિનાઓથી જામ્યુકોના પટાંગણમાં નવા નકોર ઢગલો બંધ ટ્રી ગાર્ડ ધૂળ ખાઇ રહ્યા છે છતાં સ્ટેન્ડીંગ કમીટીમાં રૂ.6.81 લાખના ખર્ચે નવા 600 ટ્રી ગાર્ડ ખરીદવાનો નિર્ણય કરાયો છે.ત્યારે જે ધૂળ ખાય છે તેનો પહેલા પૂરો ઉપયોગ થતો નથી અને લટકામાં નવાનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો તે ચર્ચાના એરણે ચઢ્યો છે.જો કે આવું કાઈ પહેલી વાર નથી બન્યું અગાઉ પણ આવા કેટલાય ખર્ચાઓ મંજુર થયા જ છે.