Mysamachar.in-જામનગરઃ
હજુ એક હડતાલ માંડ પતી ત્યાં વધુ એક સરકારી ખાતાએ હડતાલનું રણશિંગું ફૂંક્યું છે. છેલ્લા કેટલાક સમયથી વિવિધ માગણીઓને લઇને નારાજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ હવે ધીમે ધીમે જલદ આંદોલન તરફ જઇ રહ્યાં છે. આવેદન અને રેલી દ્વારા માગણીઓ કરનારા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હવે અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. જામનગર જિલ્લાના 6 તાલુકાના 33 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અંદાજિત 448 જેટલા આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. આ હડતાલમાં પુરૂષ અને સ્ત્રી આરોગ્ય કાર્યકર, સુપરવાઈઝર, ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેકનીશીયન જેવા પાયાના તમામ કર્મચારીઓ જોડાયા છે. હડતાલના લીધે સરકારની રસીકરણ, શાળા આરોગ્ય તપાસણી, રોગચાળા સર્વે, મિશન ઇન્દ્રધનુષ, આયુષ્માન ભારત, વગેરે પાયાની કામગીરી બંધ રહેશે. તો આ હડતાલથી સૌથી વધુ અસર ગ્રામ્ય વિસ્તારોમાં મળતી આરોગ્યની પ્રાથમિક સારવારને થશે.