જામનગર સહિત રાજ્યભરમાં લેબોરેટરીની થશે તપાસ

વડોદરાની ઘટનાના પડઘા

જામનગર સહિત રાજ્યભરમાં લેબોરેટરીની થશે તપાસ

Mysamachar.in-જામનગરઃ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ડોક્ટર અને લેબોરેટરી સંચાલકની કથિત ઓડિયો ક્લિપના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. સમગ્ર મામલે જામનગર સહિત રાજ્યભરમાં ગોરખધંધા કરતી લેબોરેટરીને શોધી પગલા લેવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. ડેંગ્યુ, મલેરિયા, ટાયફોર્ડ જેવા રોગોના ખોટા રિપોર્ટ બનાવી આપવાના સ્વરા લેબોરેટરીના સંચાલકના દાવાથી આરોગ્ય વિભાગે હવે રાજ્યભરમાં લેબોરેટરીની તપાસ કરવાના આદેશ આપ્યા છે. ઘટના સામે આવતા જ રાજ્યના આરોગ્ય વિભાગે લેભાગુ સ્વરા લેબોરેટરીને સીલ મારવાના આદેશ આપી સમગ્ર મામલે દોષિતો સામે કડક પગલા લેવાના આદેશો કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયામાં ફરતી થયેલી ઓડિયો ક્લિપ વડોદરામાં આવેલી સ્વરા પેથોલોજી લેબના એક વ્યક્તિ અને ડોક્ટરની છે. આ ઓડિયો ક્લિપમાં લેબોરેટરીવાળો દર્દીનો ખોટો રિપોર્ટ આપવા બદલ 40% રકમ આપવાની ઑફર કરે છે, સામા પક્ષે ડોક્ટર કહી રહ્યો છે કે અમારે કાનવા ગામ અંદર દવાખાનું છે. અમારે મહિને બિલ આવે. અમે કહીએ એટલે મેલેરિયા બતાવવાનો. રિપોર્ટ મારી પાસે જ રહેશે. તમે ચિંતા ન કરો. લેબોરેટરીવાળાએ વધુમાં કહ્યું કે તમે રિપોર્ટમાં મેલેરિયા કહેશો કે ટાઇફોઇડ એ પ્રમાણે સેટિંગ કરી આપીશું.