રમતગમતથી સમરસતા ખીલે છે, સાંસદ પૂનમબેન માડમ
જામનગરમા સ્ટેટ લેવલ બાસ્કેટબોલ ચેમ્પીયનશીપના સ્પોન્સર સ્વ.હેમતભાઇ રામભાઇ માડમ મેમો.ટ્રસ્ટના પ્રમુખ

Mysamachar.in:જામનગર
રમતગમત થી સમરસતા ખીલે છે તેમ જામનગર અને દ્વારકા જીલ્લાના સાંસદ પૂનમ માડમએ એક મેગા ચેમ્પીયનશીપ ઇવેન્ટ ને ખુલ્લો મુકતા જણાવ્યુ છે, યુવા શક્તિના વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ધ્યેય છે અને યુવાઓ માટે યુનિવર્સિટી ગેઇમ ખેલો ઇન્ડીયા પણ તેમને તારીખ 25 ના જ ખુલ્લો મુક્યો અને યોગાનુયોગ જામનગરમા પણ તારીખ 25 ના જ ત્રિદિવસીય સ્ટેટ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ સાંસદ પૂનમબેને પ્રારંભ કરાવી છે,
આ ચેમ્પીયનશીપ સ્વ.એચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા પ્રાયોજીત છે ત્યારે ટ્રસ્ટના પ્રમુખ તરીકે તેમને શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહી સૌ તરવરીયા ખેલાડીઓને આવકારી ઉત્સાહ વધાર્યો તેમજ રમતગમત જેવા સમરસતાની તક પ્રદાન કરતા શ્રેષ્ઠ આયોજન બદલ જહેમત ઉઠાવનાર ગુજરાત સ્ટેટ અને જામનગર જિલ્લા બાસ્કેટબોલ એસો.ને બિરદાવ્યા હતા. ત્યારે અભ્યાસુઓના મત મુજબ સ્વ.હેમતભાઇ રામભાઇ માડમ મેમો. ટ્રસ્ટના પ્રમુખ અને જામનગર દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમએ ટ્રસ્ટના નેજા હેઠળ દાયકા કરતા વધુ સમયથી અવિરત આરોગ્ય-અબોલજીવ અને શિક્ષણ સેવાઓની જેમ જ ક્રિકેટ સહિતની ટુર્નામેન્ટ ને અને સ્પર્ધકોને સ્ટેટ-નેશનલ રમવા જવા મદદ કરતા રહ્યા છે સ્પોન્સર કરતા રહ્યા છે. જેથી હાલારના બંને જિલ્લાના અનેક ખેલાડી જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ ઝળક્યાના અહેવાલો છે આ તકે સાંસદ પૂનમબેન એવુ કહેતા હોય છે કે દીકરા દીકરીઓના સર્વાંગી વિકાસ અને તેમા સ્પોર્ટસમેન સ્પીરીટ ખીલવવા મદદ કરવી એ તો રાષ્ટ્રની સેવા છે અને એ સેવા અવિરત રાખવાની મને તક મળતી રહે છે.
તા.25 થી 28 મે સુધી જામનગર શહેરની સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ ખાતે જામનગર ડિસ્ટ્રિકટ બાસ્કેટબોલ એશોસીએશન દ્વારા આયોજિત તથા એચ.આર.માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પુરસ્કૃત રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જે ટુર્નામેન્ટનો સાંસદ પૂનમબેન માડમે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે ટુર્નામેન્ટ અંગેની ઝીણવટભરી વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે જામનગર રમતગમત ક્ષેત્રે ખૂબ જ આગળ પડતું શહેર છે. તેમજ જામનગરવાસીઓ આ પ્રકારના આયોજનોને ખૂબ જ ઉત્સાહથી વધાવે છે. યુવાઓએ જીવનમાં અવશ્ય કોઈ સ્પોર્ટને પસંદ કરી તેને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો જોઈએ. આવી સ્પર્ધાઓના માધ્યમથી જ આપણને શ્રેષ્ઠતમ ખેલાડીઓ પ્રાપ્ત થાય છે. જામનગરના આંગણે આ સ્પર્ધાના માધ્યમથી સમગ્ર ગુજરાત સમરસતાથી એક તાંતણે જોડાશે તેમ પણ સાંસદએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના આંગણે સૌપ્રથમ વાર યોજાવા જઈ રહેલ આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી 400 જેટલા ખેલાડીઓ ભાગ લેશે.જેમાં ભાઈઓની ટુર્નામેન્ટ માટે ગૃપ 'એ' માં ભાવનગર, કચ્છ, મોરબી, ગૃપ 'બી' માં અમદાવાદ, જામનગર, સાબરકાંઠા, ગૃપ 'સી' માં વડોદરા, દેવભૂમિ દ્વારકા, સુરત, ગૃપ 'ડી' માં રાજકોટ, ભરૂચ, સુરેન્દ્રનગર જ્યારે ગૃપ 'ઇ' માં અમરેલી તથા આણંદની ટીમો જોડાશે.જ્યારે બહેનો માટે ગૃપ 'એ'માં અમદાવાદ, દેવભુમિ દ્વારકા, જામનગર, ગૃપ 'બી' માં પાટણ, વડોદરા, મોરબી, ગૃપ 'સી' માં ભાવનગર, આણંદ, રાજકોટ, ગૃપ 'ડી' માં ભરૂચ, અમરેલી, સુરતની ટીમો જોડાઈ પોતાનું કૌવત દાખવશે. જામનગરના નાગરીકો સવારે 7.00 થી 11.00 તેમજ સાંજે 4.00 થી 9.00 કલાક દરમિયાન સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ ખાતે આ ટુર્નામેન્ટ નિહાળી શકશે.