હાપા યાર્ડની ચુંટણીમાં ભાજપના જ બે જુથ આમને-સામને!

કોનું પલડુ રહેશે ભારે?

હાપા યાર્ડની ચુંટણીમાં ભાજપના જ બે જુથ આમને-સામને!

mysamachar.in-જામનગર:

આમ તો સહકારી ક્ષેત્રની ચૂંટણી હોય તેમાં પ્રત્યક્ષ રીતે કોઈ પક્ષનો સિમ્બોલ હોતો નથી પણ પરોક્ષ રીતે આવી ચૂંટણીઓમાં પણ મોટું રાજકારણ ખેલાતું હોય છે,જે સર્વવિદીત છે,જામનગર જીલ્લામાં સહકારી ક્ષેત્રની ચૂંટણીનો હાલ માહોલ હોય ધ્રોલમાં ભાજપ-ભાજપ પ્રેરિત પેનલ વચ્ચે તેમજ જામજોધપુર,જોડિયામાં ભાજપ-કોંગ્રેસ પ્રેરિત પેનલો વચ્ચે રસાકસ્સીભર્યા ચૂંટણી જંગમાં રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો હતો,તેવામાં ફરીથી જામનગર હાપા યાર્ડની ચૂંટણી નજીક આવતા રાઘવજી પટેલ જુથ અને ચંદ્રેશ પટેલ જુથ સામ સામા લડી લેવાના મુડમાં હોય તેવી ચર્ચાઓએ રાજકીય આલમમાં ભારે જોર પકડ્યું છે,

હાપા યાર્ડની ચૂંટણી આગામી તા.૧૦/૧૨/૧૮ના રોજ યોજવાની છે.ત્યારે આવતીકાલે ૨૯ નવેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે, ૩૦ નવેમ્બરના રોજ ચકાસણી અને ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની તા.૩ ડિસેમ્બર રાખવામા આવી છે.દરમ્યાન આ વખતે હાપા યાર્ડની ચૂંટણીમાં ભાજપના જ બે જુથ વચ્ચે ચૂંટણી જંગ જામવાના એંધાણ વર્તાઇ રહ્યા છે,

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ એક બાજુ રાઘવજી પટેલનું તો બીજી બાજુ પૂર્વ સાંસદ અને જીલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલના જુથ વચ્ચે સીધી ફાઇટ થશે તેમ પણ ચર્ચાઇ રહ્યું છે,કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા રાઘવજી પટેલ જુથ અને જીલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલનું જુથ લડી લેવાના મુડમાં હોય એકબીજાને નમતું જોખવા માંગતા ન હોવાથી ભાજપના જ અંદરો અંદરના રાજકારણમાં ભારે ઉતેજના છવાઇ છે,

ત્યારે ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેવામાં હાપા યાર્ડની ચૂંટણીના પરીણામોને લઈને ઘેરા પ્રત્યાઘાતો ન પડે તેની પણ ચિંતા ભાજપના આગેવાનોને થવા લાગી છે.હાપા યાર્ડ ખેડૂત વિભાગની ૮ બેઠકમાં ૭૮૫ મતદારો,વેપારી વિભાગની ૪ બેઠકો માટે ૪૮૯ મતદારો અને ખરીદ-વેંચાણ સંઘની ૨ બેઠકો માટે ૯૩ મતદારો મળીને કુલ ૧૩૬૭ મતદારોને અત્યારથી જ બંને જુથ દ્વારા સંપર્ક કરીને ચૂંટણી જીતવા માટે રણનીતિ ઘડવામાં આવી રહી છે,તેવામાં સહકારી ક્ષેત્રમાં ભારે ઉતેજના છવાતી જાય છે.

અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.