રાજ્યમાં એક સાથે નહિ થાય તમામ ચુંટણીઓની મતગણતરી

ચૂંટણી પંચે જાહેર કરેલાં કાર્યક્રમ યથાવત રહેશે

રાજ્યમાં એક સાથે નહિ થાય તમામ ચુંટણીઓની મતગણતરી
file image

Mysamachar.in-ગાંધીનગર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં છ મહાનગરપાલિકાઓના મતદાન માટે હવે ગણતરીની કલાકો જ બાકી છે, એવામાં આજે ગુજરાત હાઈકોર્ટમાં એક જ દિવસે મતગણતરીને પડકારતી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આ અરજી કરવામાં આવી હતી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી એક જ દિવસે કરવાની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં રિટ ફાઇલ કરવામાં આવી હતી. અરજીમાં અરજદારની રજૂઆત હતી કે મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીનું મતદાન થશે તો ચૂંટણી પ્રક્રિયાની સ્વતંત્રતા પર વિપરિત અસર થશે.

તો રાજ્ય ચૂંટણી પંચની રજૂઆત હતી કે 2005થી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી બે તબક્કામાં કરાય છે. રાજ્યમાં એક જ તારીખે મતગણતરી રાખીએ તો બહુ મોટો સ્ટાફ રાખવો પડે અધિકારીઓને દરેક સ્થળ પર ધ્યાન રાખવામાં અગવડતા પડે. સામાન્ય રીતે મતગણતરી માટે એક જ રૂમમાં 14 ટેબલ રાખવામાં આવે છે. કોવિડના લીધે રૂમમાં 7 ટેબલ જ ગોઠવવામાં આવશે. મતગણતરી અલગ અલગ તારીખે રાખવા માટે કોઈ મજબૂત કારણો કે નુકસાન અંગેના પુરાવા અરજદારે આપ્યા નથી. માટે હવે ગુજરાતના ચૂંટણી પંચે જાહેર કરેલાં કાર્યક્રમ મુજબ 21મી ફેબ્રુઆરીએ મહાનગરપાલિકોની ચૂંટણીનું મતદાન થશે અને 23મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે મતદાન થશે અને બીજી માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.