ગુજરાત સરકારે લમ્પી વાયરસને લઈને જાહેર કરી માર્ગદર્શિકા

ટપોટપ થઈ રહ્યા છે પશુઓનાં મોત

ગુજરાત સરકારે લમ્પી વાયરસને લઈને જાહેર કરી માર્ગદર્શિકા
file image

Mysamachar.in-ગાંધીનગર:

રાજ્યમાં જામનગર, રાજકોટ જિલ્લામાં ગાયોમાં લમ્પી સ્કિન ડિસીસનો રોગ જોવા મળ્યો છે, જે ચેપી રોગ છે. આ રોગ બીજા પશુઓમાં ન થાય તે માટે પશુપાલન વિભાગ એક્શનમાં આવ્યું છે. વિભાગે લમ્પી સ્કિન ડિસીસ થયેલા પશુઓને બીજા પશુઓથી દૂર રાખવાની સલાહ આપી છે. આ ઉપરાંત રોગને કાબૂમાં લેવા પશુઓને વેક્સિન આપવામાં આવી રહી છે.લમ્પી એ ચામડીની એક બીમારી છે, જે મચ્છર કરડવાથી થાય છે. આ એક ચેપી રોગ છે. લમ્પી સ્કિન ડિસીસ ફક્ત પ્રાણીઓમાં જ થાય છે. ખાસ કરીને આ રોગ ગાય અને ભેંસમાં વધારે જોવા મળે છે.

-પશુપાલકોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ?

લમ્પી સ્કિન ડિસીસના લક્ષણો કોઈ પશુઓમાં જોવા મળે તો તેને અન્ય પશુઓથી અલગ રાખવા જોઈએ. બીજા પશુઓના સંપર્ક ન આવે તેની વિશેષ કાળજી પશુપાલકોએ રાખવી જોઈએ. જો પશુઓને તાવ આવે, ચામડી પર ગાંઠો થાય તો નજીકના પશુ દવાખાનામાં જાણ કરવી જોઈએ. પશુમાં લક્ષણો દેખાય તો ડૉક્ટરે સેમ્પલ લઈને લેબમાં મોકલવા જોઈએ. જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી જે તે પશુને અન્ય પશુઓથી અલગ રાખવું જોઈએ.

હાલ સૌરાષ્ટ્રમાં ફેલાયેલા લમ્પી ડિસીસને કાબૂમાં લેવા માટે પશુપાલન વિભાગ એક્શનમાં આવ્યું છે. લમ્પી વાયરસને લઈને સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે, તેમજ તેનું પાલન કરવાની સૂચના પણ આપી છે. જ્યાં પણ લમ્પી વાયરસ દેખાશે તેના પાંચ કિલોમીટરમાં વેક્સીનેશન કરવામાં આવશે. જોકે, હાલ રાજ્યમાં લમ્પી સ્કિન ડિસીસ માટે ટેસ્ટિંગની વ્યવસ્થા નહી. આ માટે જે તે પશુઓના સેમ્પલ લઈને તેને ભોપાલ મોકલવામાં આવે છે.