Mysamachar.in-ગુજરાત:
વિધાનસભાની ચૂંટણીઓ આમ જૂઓ તો કોઈ બહુ મોટી વાત નથી, દર પાંચ વર્ષે ચૂંટણીઓ તો થયે રાખે, સરકારો રચાતી રહે – એમાં નવું શું ?! જનસામાન્ય આ પ્રકારની માનસિકતા ધરાવતું હોય છે. પરંતુ ના, આ વખતે એવું નથી. આ વિધાનસભા ચૂંટણી ખરેખર ‘ અસાધારણ ‘ છે, અને આ ચૂંટણી માત્ર ગુજરાત જ નહીં, દેશ અને દુનિયાનાં પ્રવાહો નક્કી કરશે ! તમારો એક મત કેટલો મહત્વનો છે ?! તે પ્રશ્નનો જવાબ અહીં છે.
આજે સમગ્ર દેશમાં શાસકપક્ષની બોલબાલા છે. વાતાવરણ કેસરિયું બની રહ્યું હોય, એવું દેખાઈ રહ્યું છે. દેશભરમાં વડાપ્રધાન અને ગૃહમંત્રીની આસપાસ આખો દેશ ચક્કરો કાપી રહ્યો છે ! અને, વિદેશોમાં પણ ભારત-ભારત ગૂંજી રહ્યું છે. અમેરિકા-રશિયા અને ચીન જેવી મહાસત્તાઓની સાથે સાથે વૈશ્વિક મીડિયામાં ‘ભારત’ છવાયેલું છે ! અને, આ બધાં જ વંટોળનું એપિસેન્ટર આપણું ગુજરાત છે !
કારણ કે, વડાપ્રધાન તથા ગૃહમંત્રી ગુજરાતીઓ છે. અને, 2024 ની લોકસભા ચૂંટણી પહેલાંની આ 2022ની વિધાનસભા ચૂંટણી એક અર્થમાં મોદી-શાહ માટે સૌથી મહત્વનો અને પ્રથમ સેમિફાઇનલ મેચ છે ! જેમાં વિજયથી ઓછું કશું જ મળે તો, દેશ અને દુનિયામાં પ્રવાહો પલટી શકે છે ! કારણ કે, આ જોડી માટે ગુજરાત જ ગ્લોબલ પ્રતિષ્ઠા છે. ગુજરાતમાં જો તેઓને પીછેહઠ મળે તો ?! તો, 2024 માં દેશમાં નવાં સમીકરણો રચાઈ શકે ! અને, રશિયા-અમેરિકા અને ચીન જેવી મહાસત્તાઓ 2024 પછીની નવી પરિસ્થિતિમાં ભારતની સાથે કેવાં પ્રકારના સંબંધો જાળવે ?! તે આખો વિષય અતિ ગંભીર, વ્યાપક અને વ્યૂહાત્મક લેખાવી શકાય એટલે અહીં તેની ચર્ચા અસ્થાને છે
પરંતુ આટલી અમથી વાત પરથી આપ સૌ એટલું તો સમજી જ શકો કે, આપનો એક મત આવનારા દિવસોમાં, વર્ષોમાં માત્ર ગુજરાત જ નહીં દેશ અને દુનિયાનાં રાજકીય અને તેથી આર્થિક સહિતના પ્રવાહો પર અસરો પેદાં કરી શકવા સમર્થ છે ! એટલે, કોની તરફેણમાં મતદાન કરવું ?! એ સૌની સ્વતંત્રતા છે, વ્યકિતગત બાબત છે. પરંતુ એટલું નક્કી કે, આ ચૂંટણી અસાધારણ પરિણામો સર્જનારી પુરવાર થશે તમારાં માટે, ગુજરાત માટે, દેશ માટે અને વિશ્વ માટે પણ ! માટે જરૂર મતદાન કરજો અને ગંભીરતાપૂર્વક મતદાન કરજો – મત કોઈ પણ ઉમેદવારને આપો અથવા NOTA પસંદ કરો, એ આપનો અધિકાર છે – અબાધિત.