ગુજરાત કોન્ગ્રેસ : ચૂંટણીટાણે નિષ્ક્રિય રહેલું હાઈકમાન્ડ, ગદારો શોધે છે !
પાર્ટીમાં આંતરિક ટાંટિયાખેંચ, પણ હાઈકમાન્ડ લાચારી અનુભવે છે....

Mysamachar.in:અમદાવાદ
ગુજરાત કોંગ્રેસને સજીવન કરવા હાઈકમાન્ડ ગંગાજળ શોધી રહી છે. કોન્ગ્રેસનું મોવડીમંડળ પોતે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે અને દરમિયાન સંપૂર્ણ નિષ્ક્રિય રહ્યું. આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં સંગઠન બનાવી લીધું ત્યાં સુધી કોન્ગ્રેસ ઘોરતી રહી અને ચૂંટણી પછી હવે હારના કારણો શોધવા મડદાં ચૂંથી રહી છે !
ગુજરાત વિધાનસભામાં 2017 માં કોન્ગ્રેસનાં ધારાસભ્ય 77 હતાં. પાંચ વર્ષમાં આ સંખ્યા ઘટીને 17 થઈ ગઈ ! વિધાનસભામાં પક્ષે વિપક્ષનું નેતાપદ પણ ખોઈ નાંખ્યું. પછી પક્ષનાં મોભીઓની આંખ ઉઘડી ! ચૂંટણીમાં હારના કારણો શોધવા સત્યશોધક કમિટી બનાવી. રિપોર્ટ તૈયાર કર્યો. આ રિપોર્ટ કોન્ગ્રેસનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોંપવામાં આવશે. પછી ગુજરાત કોન્ગ્રેસનાં નેતાઓની વિકેટો પડશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આવી કારમી હાર શા માટે થઈ ? તેનાં કારણો શોધવા આ કમિટીએ વરિષ્ઠ નેતા નીતિન રાઉતની આગેવાની હેઠળ ગુજરાતમાં પુષ્કળ કવાયત કરવામાં આવી. સેંકડો વિગતો એકત્ર કરવામાં આવી. આ બધું જ હવે મોવડીમંડળને સોંપવામાં આવશે. રિપોર્ટમાં સાથે ઉપાયો પણ સૂચવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
પ્રશ્ન એ છે કે, 2017 માં શાસકપક્ષને નાકે દમ લાવનાર ગુજરાત કોન્ગ્રેસનાં નેતાઓએ પછીનાં પાંચ વર્ષ શું કર્યું ?! મુખ્ય વિપક્ષનું પદ પણ શા માટે ગુમાવી દીધું ?! ચૂંટણી સમયે ઉમેદવારો લશ્કર વિનાનાં સેનાપતિ જેવા દેખાયાં ! આમ શા માટે થયું ?! પ્રદેશ તથા જિલ્લા કક્ષાનાં નેતાઓ પ્રજાનો સહયોગ શા માટે પ્રાપ્ત ન કરી શક્યા ? કોન્ગ્રેસનાં કમિટેડ મતદારોનાં મતો ક્યાં ગયા ?! આ મતોનું વિભાજન શા માટે થયું ?! વગેરે પ્રશ્નો કોન્ગ્રેસનાં નેતાઓએ વિચારવા પડશે.
જાણકારોના કહેવા પ્રમાણે, ગુજરાતમાં કોન્ગ્રેસને સજીવન કરવા ખાસ પ્રકારની લેબોરેટરીમાં મોવડીમંડળે વિશિષ્ટ ખાસિયતો ધરાવતું ગંગાજળ બનાવવું પડશે. કાળઝાળ મોંઘવારી, બેરોજગારી અને શાસકીય ત્રુટિઓથી જનતા ત્રસ્ત હોવાં છતાં વિપક્ષ લોકોનાં દિલ સુધી શા માટે પહોંચી શકતો નથી ?! એ પ્રશ્નનો જવાબ કોન્ગ્રેસનાં નેતાઓએ શોધવો જ પડશે, આજે નહીં તો આવતીકાલે.