સરકારનો આ નિર્ણય ભૂલ છે કે, પછી જાણી જોઇ કરેલી મજાક છે !

આ તે કેવો નિર્ણય !

સરકારનો આ નિર્ણય ભૂલ છે કે, પછી જાણી જોઇ કરેલી મજાક છે !
ફાઇલ તસવીર

Mysamachar.in-જામનગરઃ

રાજ્ય સરકારના વહીવટી વિભાગમાં ક્લાસ 1થી લઇને ક્લાસ 3 સુધીના ઓફિસરો હોય છે, જેઓ સરકારની યોજનાની અમલવારીથી લઇને નવી સમાજલક્ષી યોજનાઓ બનાવવામાં મદદ કરે છે. યોજના બનાવવામાં હંમેશા સામાન્ય નાગરિકને ધ્યાનમાં રાખવામાં આવે છે. પરંતુ રૂપાણી સરકારે એક એવી યોજના બનાવી જે હાસ્યાસ્પદની સાથે ગંભીર મજાક હોય તેવી ચર્ચા જાગી છે. રાજ્યમાં કુપોષણને દૂર કરવા માટે આંગણવાડીના ભૂલકાઓને સપ્તાહમાં બે વખત નાસ્તામાં ફ્રૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, અહીં સુધી તો બધુ બરાબર છે પરંતુ બાળકદીઠ અધધ બે રૂપિયા ફાળવવામાં આવ્યા છે. હવે માત્ર બે રૂપિયામાં ક્યું ફ્રૂટ મળે તે પ્રશ્ન આંગણવાડીના સંચાલકોને સતાવી રહ્યો છે. ચલો માની પણ લઇએ કે સરકારે સમજી વિચારીને આ નિર્ણય લીધો હશે, પરંતુ માત્ર બે રૂપિયામાં ગુજરાતમાં તો એકેય ફ્રૂટ મળતું નથી એ વાસ્તવિક્તા છે અને બે રૂપિયામાં મળતાં ફ્રૂટથી કુપોષણ દૂર થઇ જશે એ વાત પણ ગળે ઉતરે એવી નથી.

રાજ્ય સરકારના નિર્ણય અંતર્ગત આંગણવાડીમાં સપ્તાહમાં બે વખત એટલે કે સોમવારે અને ગુરુવારે એક બાળકદીઠ રૂપિયા 2 ફાળવવામાં આવ્યા છે. હાલારના બે જિલ્લાની વાત કરીએ તો દેવભુમી દ્વારકામાં 691 અને જામનગરમાં 900 આંગણવાડી આવેલી છે. બાળકો કુપોષણનો ભોગ ન બને તે માટે આંગણવાડીના તમામ ભુલકાઓને પોષકતત્વો ભરેલો ખોરાક આપવોનો નિર્ણય લેવાયો છે. તેમજ પોષક તત્વો સાથે ભૂલકાઓને વિટામીન પણ મળી રહે તે માટે અઠવાડિયામાં બે વખત આંગણવાડીના બાળકોને નાસ્તામાં ફ્રુટ આપવાનો નિર્ણય કર્યો છે. હવે આંગણવાડી સંચાલકોનો સવાલ એ છે કે બે રૂપિયામાં ક્યું ફ્રૂટ મળે છે. સફરજન, કેળા , પપૈયા, ચીકુ, જામફળ જેવા ફ્રૂટનો ભાવ તો 50 રૂપિયાથી ઉપર છે,  જો આંગણવાડીમાં 30 બાળકો હોય તો માની લો કે 60 રૂપિયામાં અડધો કિલો સફરજન આવે, હવે તમે જ વિચારો કે અડધો કિલો સફરજનના કેટલા ભાગ કરવા કે 30 બાળકોને વહેંચી શકાય અને આટલા સફરજનથી બાળકોને કેટલું પોષણ કે વિટામીન મળશે ?

થોડા સમય પહેલા જ માનનીય મુખ્યમંત્રી દ્વારા એક આંગણવાડી સંચાલકને ટેલિફોનિક વાતચીતમાં ખખડાવતો ઓડિયો વાયરલ બન્યો હતો, જેમાં રૂપાણી સાહેબ કહી રહ્યાં હતા કે આપણે  બાળકોને કુપોષણ મુક્ત કરાવવા છે, પરંતુ શું માત્ર આ દેખાડો હતો કે ખરેખર રાજ્ય સરકાર કુપોષણ મામલે ગંભીર છે ? રાજ્યમાં કુપોષણ મામલે રાજ્યની સ્થિતિ દયનીય હોવાનું ખુદ રૂપાણી સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે, ત્યારબાદ યુનિસેફના એક રિપોર્ટમાં પણ ગુજરાતમાં બાળકો વધુ કુપોષણ હોવાનો રિપોર્ટ પણ જગજાહેર છે. આ માટે રાજ્ય સરકારે કુપોષણમુક્ત ગુજરાત જેવા અભિયાનો ચલાવવાની વાતો પણ કરી, મહદઅંશે આ અભિયાનો શરૂ પણ થયા, ખાસ કરીને આંગણવાડી કે સ્કૂલમાં જ બાળકોને પોષણયુક્ત ખોરાક આપવાની શરૂઆત કરવામાં આવી પરંતુ આ પ્રકારે બાળકદીઠ ફ્રૂટ માટે માત્ર બે રૂપિયા ફાળવવા જેવો નિર્ણય કેટલી હદે યોગ્ય છે ?