જામનગરના રઘુવંશી લાલ પરિવારના ક્રિષ્નરાજ જીતુભાઇ લાલની સુવર્ણ સિધ્ધિ, એવુ સભ્યપદ મેળવ્યું જે ખુબ છે કઠીન 

શિપીંગ વ્યવસાય ક્ષેત્રના વિશ્વ પ્રતિષ્ઠીત ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર શિપ બ્રોકર્સમાં ગૌરવવંતુ સભ્યપદ પ્રાપ્ત કર્યું. 

જામનગરના રઘુવંશી લાલ પરિવારના ક્રિષ્નરાજ જીતુભાઇ લાલની સુવર્ણ સિધ્ધિ, એવુ સભ્યપદ મેળવ્યું જે ખુબ છે કઠીન 

Mysamachar.in-જામનગર:

વિશ્વભરમાં શીપીંગ વ્યવસાયમાં ચોક્કસ માપદંડો, નિયમો, કાયદાઓનું પાલન થાય તે માટે 110 વર્ષથી કાર્યરત પ્રતિષ્ઠિત અને માન્ય સંસ્થા “ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ શિપ બ્રોકર્સ'' માં અતિ મૂલ્યવાન ગણાતા સભ્યપદને પ્રાપ્ત કરવાની ઝળહળતી સિધ્ધિ જામનગર શીપીંગ ક્ષેત્રે અગ્રેસર લાલ પરિવારના ક્રિષ્નરાજ જીતુભાઇ લાલે મેળવી લાલ પરિવાર, જામનગર તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.કોઇપણ વ્યવસાય કે ક્ષેત્રમાં રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય સંસ્થામાં સામાન્ય રીતે સભ્યપદ મેળવવાની પ્રક્રિયા સરળ અને આસાન હોય છે, પણ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ શિપ બ્રોક્સ (આઇસીએસ) માં સભ્યપદ મેળવવા માટે સંસ્થા દ્વારા ખાસ વિષયો સાથેની પરીક્ષા લેવામાં આવે છે. જુદા-જુદા સાત વિષયોની પરીક્ષામાં ઉત્તિર્ણ થનારને જ સંસ્થામાં સભ્યપદ મળે છે,

જામનગરના ક્રિષ્નરાજ લાલને ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ શિપ બ્રોકર્સની પરીક્ષામાં તેમણે અગાઉ શીપીંગ ક્ષેત્રમાં મેળવેલ એમ.એસ.સી. મરીન ટ્રાન્સપોર્ટની ડીગ્રીના કારણે બે વિષયો (1) ઇન્ટ્રોડેક્શન ઓફ શીપીંગ બિઝનેશ અને (2) ઇકોનોમીક્સ ઓફ સીટ્રેડ એન્ડ ટ્રાન્સપોર્ટની પરીક્ષામાં મુક્તિ આપવામાં આવી હતી. જ્યારે (1) શીપીંગ બીઝનેસ (2) ડ્રાય કાર્ગો ચાર્ટરીંગ (3) ટેન્કર ચાર્ટરીંગ (4) પોર્ટ એજન્સી અને (5) લીગલ પ્રિન્સીપલ્સ ઓફ શીપીંગ બીઝનેસ વિષયોની પરીક્ષા આપી અને 2018 થી 2020 ના સમયગાળામાં અભિમન્યુનાના સાત કોઠા પસાર કરવા જેવી અતિ કઠીન પરીક્ષાના તમામ પેપરોમાં ઉચ્ચ ગુણાંકો મેળવ્યા હતા. પોર્ટ એજન્સી પેપરમાં તેમણે 100માંથી સર્વાધિક 80 માર્ક્સ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, ક્રિષ્નરાજે શીપીંગ ક્ષેત્રની એમ.આઇ.સી.એસ, તેમજ એમ.એસસી (મરીન ટ્રાન્સપોર્ટ) ની ડીગ્રી પણ પ્રાપ્ત કરી છે અને શીપીંગ ક્ષેત્રના અભ્યાસ, સંશોધનમાં તેમણે તેમની તેજસ્વીતા અને નિપુણતા પુરવાર કરી છે.પશ્ચિમ ભારતના સાગર તટે શીપીંગ વ્યવસાયના ક્ષેત્રમાં અનેક સિમાચિન્હ રૂપી સફળતા પ્રાપ્ત કરનાર લાલ પરિવારના તેજસ્વી, વિચક્ષણ અને સતત અભ્યાસુ તરવરિયા યુવાન ક્રિષ્નરાજ લાલ આઇ.સી.એસ.નું સભ્યપદ મેળવવા સાથે બે વર્ષમાં આ ઇન્સ્ટીટયુટની ફેલોશીપ મેળવવા માટે પણ સમર્થ બન્યા છે. આ ફેલોશીપની ડીગ્રી રોયલ ચાર્ટર ઓફ ક્વીન ઓફ ઇગ્લેન્ડ દ્વારા 1920 થી સુનિશ્ચિત કરવામાં આવી છે. ફેલોશીપ મળવાની સાથે બ્રિટીશ પાર્લામેન્ટ દ્વારા તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાર્ટર્ડ શિપ બ્રોકરનું સન્માન પણ પ્રાપ્ત થશે.

અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, આ અગાઉ ગુજરાતના દરિયા કાંઠે બાર્જ, શીપ એન્કરીંગ માટે ડ્રેજીંગની તથા અન્ય અતિ આધુનિક વ્યવસ્થા સાથેનો પ્રોજેક્ટ રીપોર્ટ સમા સરકાર સમક્ષ રજુ કરી ગુજરાતના શીપીંગ ઉદ્યોગને વધુ ઝડપી, વધુ સુવિધાયુક્ત બનાવવા માટે સરકારનું ધ્યાન દોર્યુ હતું. તેઓ દરેક બંદરો પરની ભૌગોલિક સ્થિતિ, ત્યાં શીપીંગ બિઝનેશમાં કઇ સુવિધાની જરૂર છે, લેઇટેસ્ટ સાધનોનો ઉપયોગ કરી શકાય વગેરે બાબતો પર સતત અભ્યાસ કરી રહ્યા છે.

-ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ શિપ બ્રોકર્સ

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ શિપ બ્રોકર્સની સ્થાપના 1910 માં થઇ હતી. બાલ્ટીક સમિતિએ નોંધ્યું હતું કે, તાત્કાલિન સમયે ભાગ્યે જ કોઇ એવો વ્યવસાય હતો કે જેને કોઇ સંસ્થા કે સોસાયટીનું રક્ષણ હતું નહિ. શરતો અને નિયમોના પાલન સાથે વ્યવસાય ચલાવવાના સૂચનો બાલ્ટીક સમિતિએ કર્યા હતા. બાલ્ટીક એક્સચેન્જના સભ્યના મતે શીપ બ્રોકર્સ ઇન્ટીટયુટ દ્વારા ચોકકસ અભ્યાસક્રમો નકકી થયા અને ખાસ પરીક્ષા ઉતિર્ણ કરનારને જ સભ્યપદ મળે તેવું સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું અને અંતે વર્ષ 1910 માં આ વૈશ્વિક સંસ્થાની સત્તાવાર મંજુરી સાથે સ્થાપના થઇ હતી.

આ સંસ્થા વિશ્વભરમાં 37 શાખાઓ ધરાવે છે. જેમાં 110 વર્ષ જેવા લાંબા સમયગાળામાં અત્યાર સુધીમાં સંસ્થાની આકરી કસોટી પાર કરી પરીક્ષામાં ઉત્તિર્ણ થનારા અને સભ્યપદ પ્રાપ્ત કરનારાની કુલ સંખ્યા માત્ર 4000 જ છે અને તેમાંય ભારતમાંથી આ પ્રતિષ્ઠિત સભ્યપદ પ્રાપ્ત કરનાર ક્રિષ્નરાજ લાલ સહિતની સંખ્યા 220 થઇ છે. ભારતમાં સંસ્થાની 2 શાખા કાર્યરત છે. શિપીંગ વ્યવસાય સાથે જોડાયેલ કંપનીના અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપવાની કામગીરી આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.આ ઉપરાંત ઉચ્ચ સ્તરના સંપૂર્ણ પ્રોફેશ્નલ માપદંડો સાથે વિશ્વભરના શીપ બ્રોકર્સ, શીપ મેનેજર્સ, શીપીંગ એજન્ટોના વ્યવસાયના હિતોનું રક્ષણ કરનાર સમગ્ર વિશ્વમાં ‘‘ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ શીપ બ્રોક્સ' એક માત્ર સંસ્થા છે.

1910 માં જયારે આ સંસ્થાની સ્થાપના થઇ ત્યારે માત્ર કોમનવેલ્થ દેશોના શીપીંગ વ્યવસાયકાર જ તેમાં સભ્યપદ મેળવી શકતા હતા પણ 1984 માં સેકન્ડ રોયલ ચાર્ટર્ડની માન્યતા મળતા આ અતિ મહત્વની અને પ્રતિષ્ઠિત સંસ્થામાં વિશ્વના કોઇપણ દેશના શીપીંગ વ્યવસાય સાથે સંલગ્ન વ્યક્તિ પણ તેમાં સભ્યપદ મેળવી શકે છે તેમજ માત્ર વ્યક્તિ જ નહિ કોઇપણ શીપીંગ પેઢી કે સંસ્થા પણ સભ્યપદ મેળવી શકે તેવી જોગવાઇને માન્યતા મળી છે.