પૈસા આપો અને દાખલ થાવ, જામનગરના 2 યુવકોને પોલીસે ઉઠાવી લીધા

પૂછપરછમાં હોસ્પિટલ સ્ટાફ સહીત કોઈની સંડોવણી બહાર આવે છે કે કેમ તે છે જોવાનું

પૈસા આપો અને દાખલ થાવ, જામનગરના 2 યુવકોને પોલીસે ઉઠાવી લીધા

Mysamachar.in-રાજકોટ

હાલના સમયમાં કોરોના મહામારીએ એવો ભરડો લીધો છે, લોકો માનસિક અને શારીરિક ભાંગી ચુક્યા છે, એવામાં આવી તકનો લાભ લઇ કેટલાક લેભાગુ તત્વો આ મહામારીને પણ લુટનો ધંધો બનાવીને બેઠા હોય તેમ લાગે છે, ત્યારે રાજકોટમાં વાઈરલ થયેલ બે યુવકોના વિડીયોએ રાજ્યભરમાં ભારે ચકચાર મચાવી દીધી હતી, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને તાત્કાલિક ભરતી કરવા બાબતે લાંચ સ્વીકારવામાં આવતી હોય તે પ્રકારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને જામનગરના રહેવાસી એવા જગદીશ સોલંકી અને હિતેશ મહીડાને જામનગરથી ઉઠાવી લીધા હોવાનું જાણવા મળે છે,

જેને પોલીસ દ્વારા ઉપાડવામાં આવ્યા તે જગદીશ સોલંકી સિવિલ હોસ્પિટલમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતો હતો જ્યારે કે હિતેશ મહિડા સિવિલ હોસ્પિટલમાં સફાઈકર્મી તરીકે ફરજ બજાવતો હોવાનું ખૂલ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાયરલ વીડિયો મામલે તપાસ કરતા બંને યુવાનો જામનગરનો હોવાનું ખુલ્યું હતું ત્યારે બંને આરોપીઓને જામનગરથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ સુત્રોનું માનીએ તો પોલીસ હાલ કઈ કલમ હેઠળ ગુનો નોંધવો તે અંગે પણ ચર્ચા વિચારણા કરી રહી છે. તો સાથેજ બને યુવકોનો કયા પ્રકારનો રોલ હતો? કોના કહેવાથી તેઓ આ પ્રકારે પૈસાની માંગણી કરતા હતા? પૈસા મેળવ્યા બાદ તેઓ કઈ રીતે કોની મદદથી સિવિલ હોસ્પિટલમાં દર્દીને એડમિટ કરાવી આપતા હતા તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે.

છેલ્લા બેક દિવસથી સોશિયલ મીડિયામાં ત્રણ જેટલા વીડિયો વાયરલ થયા છે. જે વાયરલ વીડિયોમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે રૂપિયા 9000ની લાંચ માંગવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. એક તરફથી લોકો કલાકો સુધી વેઇટિંગમાં ઊભા રહી પોતાના સ્વજનોને સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવા માટે રાહ જોતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ કેટલાક લાલચી વૃત્તિવાળા લોકો હાલ આ કોરોના મહામારીના કપરા કાળમાં પૈસા કમાવાની લાહ્યમાં દર્દીના સગા પાસેથી પૈસા પડાવતા હોવાનું સામે આવ્યું છે.

વિડિયો માં પૈસા માંગનાર યુવક કહી રહ્યો છે કે, ચૌધરી ગ્રાઉન્ડમાં આવીને કોલ કરજો અડધી કલાકમાં દર્દીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી આપીશ. બીજા એક વીડિયોમાં એજ યુવાન દર્દીના સગાવહાલા પાસેથી ATM સેન્ટરની અંદર 7 હજાર રૂપિયા લેતો હોય તે પ્રકાર નો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આમ વાઈરલ વિડીયો બાદ તંત્રને હરકતમાં આવવાની ફરજ પડી અને આ બન્ને શખ્સોને જામનગરથી ઉઠાવી લીધા બાદ વધુ પૂછપરછ અને આગળની કાર્યવાહી શરુ કરાઈ છે.