ખંડણી, 72 કરોડ આપો, નહીંતર તમારી ત્રણેય પુત્રીને જાનથી મારી નાખીશ

પોતાના મોજશોખ પુરા કરવા આરોપીએ આવું કર્યું...

ખંડણી, 72 કરોડ આપો, નહીંતર તમારી ત્રણેય પુત્રીને જાનથી મારી નાખીશ

Mysamachar.in-રાજકોટ

આજના સમયમાં દેખાદેખી વધતી જાય છે, જેને કારણે નાની વયે પણ યુવાઓ ગુન્હાખોરીના વાદે ચઢી જતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, એવામાં રાજકોટમાં એક એવો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુવકે એકાદ કરોડ નહિ પણ પોતાના મોજશોખ પુરા કરવા 72 કરોડની ખંડણીનો મેસેજ મહિલાને કર્યા બાદ આ સમગ્ર કાંડનો ભાંડાફોડ થયો છે, રાજકોટની ભક્તિનગર સોસાયટીમાં રહેતા બિલ્ડર કિશોરભાઇ પરસાણાના વિધવા ભાભી સંગીતાબેનને અજાણ્યા નંબર પરથી ધમકી મળી હતી. જે ધમકીના મેસેજમાં લખ્યું હતું કે 72 કરોડ આપો, નહીંતર તમારી ત્રણેય પુત્રીને જીવવા નહીં દઉં અને જાનથી મારી નાખીશું. આ મેસેજથી ડરી ગયેલા પરિવારે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, આથી પોલીસે તપાસ કરતાં ખંડણીખોર પારસ મોણપરા નામના યુવકની ધરપકડ કરી છે.

ગત 22 ફેબ્રુઆરીના રોજ સાંજે 7.15 વાગ્યે સંગીતાબેને પોતાનો મોબાઈલ બતાવી કહ્યું, એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો છે, જેમાં 72 કરોડ આપવાની ધમકી અપાઇ હોવાનું લખ્યું હતું. પૈસા નહીં આપો તો ત્રણેય દીકરીને જીવવા નહીં દેવાય, એમ જણાવાયું હતું. કિશોરભાઇએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે ભાભી સંગીતાબેનની પુત્રી ડેનિશા અમદાવાદ ખાતે અભ્યાસ કરતી હોવાની ધમકી આપનાર શખસને જાણ હોવાથી અમે લોકો ગભરાય ગયા હતા. બાદમાં ડેનિશાને કોલ કરી સચેત રહેવા જણાવ્યા બાદ રાજકોટથી ભત્રીજા કેવિનને તેને લેવા અમદાવાદ મોકલ્યો હતો. રાત્રે બંને રાજકોટ આવી ગયા હતા. તેના ભાભી સંગીતાબેનની બીજી પુત્રી દૃષ્ટિ લંડન અભ્યાસ કરતી હોવાથી ત્યાં સુરક્ષિત હોવાનું જણાતાં તેને જાણ કરી ન હતી.

જો કે  જે નંબર પરથી ધમકીભર્યો મેસેજ આવ્યો હતો એ નંબર અંગે કિશોરભાઇએ પોતાની રીતે તપાસ કરી હતી, પરંતુ કોઈ માહિતી ન મળતાં પરિવારજનોએ વિચારવિમર્શ કરી પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો, જેને પરિણામે ગુન્હો નોંધાતા  ક્રાઈમ બ્રાંચે જે નંબર પરથી મેસેજ આવ્યો હતો એ અંગે તપાસ કરી હતી અને IPC કલમ 387 અને 507 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં યુનિવર્સિટી રોડ પર રહેતા આરોપી પારસ મહેન્દ્રભાઇ મોણપરાની ધરપકડ કરી છે.પોલીસે જયારે આ મેસેજ કરનાર પારસની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ફરિયાદી કિશોરભાઇના ભાભી સંગીતાબેનની દીકરી ડેનિશા સાથે અમદાવાદમાં જી.એલ.એસ. કોલેજમાં અભ્યાસ કરતો હતો, આથી હું ડેનિશાના પરિવાર વિશે જાણતો હતો અને પોતાના મોજશોખ પૂરા કરવા ફેક નંબર પરથી ખંડણીનો મેસેજ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં આ મેસેજ પારસે રાજસ્થાની મોબાઇલ નંબર પરથી કરાયો હોવાનું જાણવા મળતાં તપાસ કરતાં પારસે મેસેજ કર્યાનું ખૂલતાં જ તેની ધરપકડ કરી હતી.

ખંડણીનો મેસેજ કરનાર પારસ પોતે કંપનીની મોંઘીદાટ કાર તેમજ મોંઘા કપડા, આઇફોન જેવો મોંઘો ફોન વાપરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી પારસ વૈભવી લાઈફસ્ટાઈલ જીવવાની ટેવ વાળો છે. ત્યારે પોતાના મોજશોખ પુરા કરવા માટે આ પ્રકારે તેને ખંડણી માગી હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ તેણે જણાવ્યું હતું કે તે અને ડેનીસા છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાના પરિચયમાં છે. જે તે સમયે બંને વચ્ચે મિત્રતા હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી બંને એકબીજા સાથે બોલતા પણ નહોતા. બંને વચ્ચે મિત્રતા હોવાના કારણે ડેનિશાને કેટલા ભાઈ બહેન છે તેનો પરિવાર કેટલો સુખી સંપન્ન છે તે તમામ બાબતો અંગે આરોપી પારસ નજીકથી જાણતો હતો. જેના કારણે આરોપી પારસે એક-બે નહીં પરંતુ 72 કરોડ જેવી ખંડણીની રકમ માંગી હતી.પરંતુ આજના આધુનિક ટેક્નલોજીના યુગમાં આ પોલીસ પાસે આ મામલો પહોંચતા પોલીસે કલાકોમાં જ આ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.