પ્રેમિકાએ મેસેજ કરીને પ્રેમીને મળવા બોલાવ્યો, પ્રેમી યુવક પહોચ્યો તો ભાઈ અને પિતાએ...

યુવકનું મોત થતા હત્યાનો ગુન્હો નોંધાયો

પ્રેમિકાએ મેસેજ કરીને પ્રેમીને મળવા બોલાવ્યો, પ્રેમી યુવક પહોચ્યો તો ભાઈ અને પિતાએ...
symbolic image

Mysamachar.in-દાહોદ

આજના સમયમાં પ્રેમમાં ગળાડૂબ યુવકો અને યુવતીઓ એકબીજા માટે બધું જ કરવા તૈયાર થઈ જાય છે, પણ આવા કિસ્સાઓમાં ક્યારેક પરિણામો ઉંધા પણ આવતા હોય છે, આવી જ એક ઘટના દાહોદ જીલ્લામાં સામે આવી jay ફતેપુરા તાલુકાના મારગાળા ગામના 22 વર્ષીય પ્રેમીને સાગડાપાડા ગામની તેની પ્રેમિકાએ મોબાઈલ પર મેસેજ કરી મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ આ જ યુવતીના પિતા તથા ભાઇએ યુવાન તથા તેની સાથે આવેલા તેના મિત્રને માથામાં તથા શરીરે લાકડીઓના આડેધડ ફટકા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડતા યુવાનનું દાહોદ ખાતે સારવાર દરમિયાન મોત નિપજતા યુવતીના પિતા તથા તેના ભાઈ સામે સુખસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મારગાળા ગામના બારીયા ફળિયામાં રહેતા સંજય બારીયાને સાગડાપાડાના ઉભાપાણ ફળિયામાં રહેતા દિનેશ ફુલજીભાઈ ચરપોટની પુત્રી શિવાની સાથે પ્રેમ સંબંધ હતો. જેથી શિવાનીએ સંજય બારીયાને મોબાઈલથી મેસેજ કરી મળવા માટે બોલાવ્યો હતો. જેથી સંજય ગતરોજ સાંજના 6 વાગ્યાના અરસામાં તેના કુટુંબી ભાઈ મેહુલને સાથે લઈ સાગડાપાડા ગામે ગયો હતો અને શિવાનીના ઘરથી થોડે દૂર શિવાની તથા સંજય થોડીવાર વાતચીત કર્યા બાદ સંજય તથા મેહુલ શિવાનીને મુકવા ઘરે જતા હતા.

સાગડાપાડા ગામે પુલ પાસે શિવાનીના પિતા દિનેશ ફુલજીભાઈ ચરપોટ તથા શિવાનીનો ભાઈ શિવરાજ દિનેશ ચરપોટ લાકડીઓ લઈ ઉભેલા હતા. તેવા સમયે સંજય, મેહુલ તથા શિવાની મોટરસાઇકલ ઉપર આવતાજ દિનેશ ફુલજી ચરપોટે સંજયના માથામાં લાકડીનો ફટકો મારતા સંજય, મેહુલ તથા શિવાની મોટરસાયકલ ઉપરથી નીચે પડી ગયા હતા. ત્યારબાદ દિનેશ ચરપોટ તથા શિવરાજ ચરપોટે સંજય તથા મેહુલને માથામાં તથા શરીરે લાકડીઓના આડેધડ ફટકારી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી.

બંને ઈજાગ્રસ્તોને ઝાલોદ ખાનગી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના તબીબે સારવાર કરવાની ના પાડતા દાહોદ ખાનગી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત સંજય રમસુભાઇ બારીયા (ઉંમર 22)નું સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ.ઉપરોક્ત બનાવ સંદર્ભે મૃતક સંજયના પિતા રમસુભાઈ કિકલાભાઈ બારીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા સાગડાપાડા ઉભા પણ ફળિયાના રહેવાસી દિનેશભાઈ ફુલજીભાઇ ચરપોટ તથા શિવરાજ દિનેશભાઈ ચરપોટની વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.